ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયનની બહેનોએ પડતર માંગણીઓ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વિમેન યુનિયન દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ પડતર માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
રાજ્યની આંગણવાડીઓમાં ફરજ બજાવતી આંગણવાડી બહેનો દ્વારા ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર અને હેલ્પર વિમેન યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને માનદ વેતનમાં વધારો કરવો, વર્કર અને હેલ્પર બહેનોને વર્ગ 4 ના કર્મચારી જાહેર કરવા, આંગણવાડી બહેનોને આરોગ્ય લક્ષી વીમા યોજના તેમજ પેન્શન યોજના, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિવૃત્ત બહેનોને ગ્રેજ્યુઈટીની ચુકવણી કરવી, વગેરે જેવી માંગણીઓ કરી હતી.
આઈ.સી.ડી.એસ.માં ઓનલાઇન કામગીરીમાંથી મુકિત આપવા તેમજ વર્કર અને હેલ્પરની જે તે જિલ્લામાં ખાલી પડતી જગ્યામાં ટ્રાન્સફર આપવા તેમજ મીની આંગણવાડી કેન્દ્રમાં હેલ્પર બહેનની તાત્કાલિક જગ્યા ભરવાની માંગ કરી હતી. આંગણવાડીની બહેનોએ આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
*રિપોર્ટ બાય:- કેતન મહેતા, ભરૂચ.