ભરૂચના કેલ્વીકુવાની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૬ જુગારીઓને નેત્રંગ પોલીસે દબોચી લીધા, રૂ.૧.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓ પાસેથી કુલ રૂ.૧.૩૦ લાખનો મુદ્દામાલ નેત્રંગ પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે એક જુગારીને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ આર.આર. ગોહીલ તેમના વિસ્તારોમાં હાજર હતા.તે સમયે માહિતી મળી હતી કે,મયુરકુમાર મધુસુધન પટેલ કેલ્વીકુવા ગામે એસ્સાર પેટ્રોલ પંપથી આગળ પોતાના ખેતરમાં ઝાડ નીચે ખુલ્લામાં જુગાર રમાડે છે.જેથી પોલીસ ટીમે પંચોની રૂબરૂ માહિતીવાળા સ્થળ પર તમામ જુગારીઓને કોર્ડન કરીને રેઈડ કરી હતી. પોલીસને જોતા જ જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી.પરંતુ પોલીસે આ તમામ જુગારીઓને સ્થળ પરથી રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી અબ્દુલ રહિમ સુલેમાન ખત્રી, ડાહ્યા રામાભાઇ માછી, વિરમ પુંજાભાઈ ભરવાડ, દિલાવર મહમ્મદ રાઠોડ,સુનિલ રસિકભાઈ વસાવા અને પિતામ્બર દિપાભાઈ પારદીને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.જ્યારે મયુરકુમાર મધુસુધન પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે આ તમામ જુગારીઓ પાસેથી દાવ ઉપરના રોકડા રૂ.૧૫,૩૦૦ તથા જુગારનાં સાધનો તેમજ મોબાઇલ નંગ-૬ કિ.રૂ.૨૫,૫૦૦ તથા મોટર સાયકલ નંગ-૩ કિ.રૂ. ૯૦,૦૦૦/-મળી કુલ રૂ.૧,૩૦,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.