ભરૂચમાં તસ્કરોનો તરખાટ:ઘોળીકૂઈ ગોલવાડમાં પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયો અને તસ્કરોએ હાથ સાફ કર્યો

ભરૂચના ઘોળીકૂઈ ગોલવાડના બહુચરાજી મંદીરની બાજુમાં ત્રણ દિવસથી બહાર ગામ ગયેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.જેમાંથી તસ્કરો રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી ૫૦ થી ૬૦ હજારની મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા.આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો સક્રિય થઈને અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ગતરોજ રાત્રીના તસ્કરોએ વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.ભરૂચના ઘોળીકૂઈ ગોલવાડના બહુચરાજી મંદીરની બાજુમાં રહેતા જીવન.બી.રાવલ ત્રણ દિવસથી પરિવારમાં લગ્ન પ્રસંગ હોય મકાન બંધ કરીને બહાર ગામ ગયા હતા.આ તકનો લાભ ઉઠાવી તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો.તેમના બેડરૂમમાં રહેલી તિજોરી તોડી તેમાંથી ૧૦ થી ૧૫ હજાર રૂપિયા રોકડા અને સોનાની એક જોડી બુટ્ટી મળીને કુલ રૂ ૫૦ થી ૬૦ હજારની મત્તા પર હાથ ફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા.જયારે તેઓ લગ્ન પ્રસંગ પતાવી પરત આવ્યા ત્યારે મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું.જેથી તેઓએ ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી ગુનો નોંધવાની કવાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ બાય:- કેતન મહેતા, ભરૂચ