અંજાર ખાતે આવેલ લાખાપરમાં જમીન વેંચાવના બહાને 29.80 લાખની ઠગાઈ થતાં એક મહિલા સહિત ચાર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ


સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અંજાર ખાતે આવેલ લાખાપરમાં જમીન વેંચાવના બહાને 29.80 લાખની ઠગાઈ થતાં એક મહિલા સહિત ચાર લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ અંગે અંજારના રહેવાસી લીલાધર દયારામ ટાંક દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સંબંધ હતા ત્યારે આરોપી શખ્સનાં નામે લાખાપર ગામે આવેલ જમીન વેંચવાની વાત થયેલ હતી. જેમાં ફરિયાદીએ આ જમીન લેવાની વાત કરી હતી. જાણવા મળી રહ્યું છે કે આ જમીન રૂા. 32,52,825માં લેવાનું નક્કી કરવામાં આવેલ હતું. જે અંગે સાટાકરાર કરી ફરિયાદીએ સુથીની અવેજમાં રૂા. 7,50,000 ચૂકવી આપી ત્રણ મહિનામાં તમામ પૈસા આપી દસ્તાવેજ કરી આપવાનું નક્કી કરવામાં આવેલ હતું. ત્યાર બાદ આરોપી શખ્સે મકાનનું કામ ચાલુ હોવાથી ટુકડે ટુકડે રૂપિયા આપવા માંગ જાહેર કરી જેમાં ફરિયાદીએ ટૂકડે ટૂકડે 29,80,000 ચૂકવી આપ્યા હતા. વધુમાં જણાઈ રહ્યું છે કે, આરોપીએ ફરિયાદીની દુકાને આવી હિસાબ કરવાનું કહી બાદમાં સાટાકરારની ઝેરોક્ષ કરાવવાની વાત કરી સાટાકરાર લઇ ગયો હતો અને તે પરત ન આપતા ફરિયાદીએ સાટાકરારની નકલની તથા દસ્તાવેજ કરી આપવાની માંગ કરી હતી. જેથી આરોપી શખ્સોએ તેમને બહાના બતાવી અને રૂપિયા, જમીન ભૂલી જવા જણાવી દીધું હતું. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.