સંદેશખલીમાં ટીએમસી પ્રેરિત અત્યાચારો સામે કચ્છ જીલ્લા ભાજપનું વિરોધ પ્રદર્શન
પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં તૃણમુલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ દ્વારા મહિલાઓ ઉપર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા છે જેને અત્યંત જઘન્ય અને દુઃખદ બનાવ ગણીને કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે. આજરોજ કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી વરચંદની ઉપસ્થિતિમાં મહિલા મોરચાની બહેનો ઉપરાંત સંગઠનના વિભિન્ન એકમો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં લોકસભા ચુંટણી મધ્યસ્થ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. શ્રી વરચંદે આ અવસરે જણાવ્યું હતું કે રાષ્ટ્ર વિરોધી તત્વોથી દેશની જનતાએ હવે ચેતી જવાની જરૂર છે. પશ્ચિમ બંગાળની સરકારના છુપા આશીર્વાદ હેઠળ પ્રાંતની મહિલાશક્તિઓ સામે દુશાસન બની બેઠેલા ઝેરીલા તત્વોને હવે નષ્યત આપવાનો સમય આવી ચુક્યો છે. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રીઓ નરેન્દ્રભાઈ પ્રજાપતિ, કચ્છ લોકસભાના સંયોજક ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોદાવરીબેન ઠક્કર, ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી હેતલબેન મહેતા, ભુજ શહેર ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા સહિત જિલ્લા/મંડલના સંગઠન અને મોરચાના હોદ્દેદારો, નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મિડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.