માંડવી તાલુકાના બાગ ગામના ગંગાસ્વરૂપ મહિલા માટે પશુપાલનનો વ્યવસાય બન્યો ધિકતી કમાણીનું સાધન

 મહિલાઓનું સશક્તિકરણ થાય અને સમગ્ર દેશ સશક્ત બને તે દિશામાં વડાપ્રધાનશ્રી અને રાજય સરકાર કાર્ય કરી રહી છે. ત્યારે આ સશક્તિકરણનું ઉદાહરણ કચ્છના માંડવી તાલુકાના બાગ ગામના દમયંતીબેન મોતા બન્યા છે. જેમણે સરકારના પ્રોત્સાહન અને આર્થિક મદદ થકી પશુપાલનના વ્યવસાયને નવી ઉંચાઇએ પહોંચાડ્યો છે. પોતાની મહેનત અને લગન થકી હાલે રોજના રૂ.૪૫૦૦ તથા વાર્ષિક રૂ.૧૬ લાખ જેટલી આવક રળીને પોતાના પરીવારના પાલનપોષણ સાથે સમગ્ર મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

        ૨૦ વર્ષ પહેલા દમયંતીબેન મોતાના પતિનું અવસાન થતાં તેના પર મુશ્કેલી આવી પડી હતી. ૪ બાળકો અને ઘરની જવાબદારી તેમના શિરે આવી પડી હતી. આ સ્થિતમાં તેમણે હિંમત હાર્યા વગર બાળકોના ભરણ પોષણ માટે એક ગાય અને એક ભેંસ રાખી હતી. જેના દૂધના વેચાણથી તેઓ ગુજરાન ચલાવતા હતા, ૨૦૦૫માં વધુ ૩ ગાય અને એક ભેંસ ઉમેરો કર્યો. તેના દૂધના વેંચાણ માટે ફેરિયાઓને દૂધ આપતા હતા પરંતુ પુરતા ભાવ મળતા ન હતા. ધીરે ધીરે કચ્છમાં ડેરીમાં સહકારી ક્ષેત્રેનો વિકાસ થતાં અને માલધારીઓને સારા ભાવ મળતા હોવાથી પશુઓની સંખ્યા વધારીને ડેરીમાં દૂધ ભરાવવાની શરૂઆત કરતા હાલ ૨૦ જેટલા પશુઓ થકી તેમને રોજની રૂ. ૪૫૦૦ની આવક થાય છે.

        દમયંતીબેન જણાવે છે કે, દૂધની આવકમાંથી મે મારા ચાર બાળકોનું શિક્ષણ પૂર્ણ કરાવી લગ્ન કરાવ્યા છે. સરકારની વિવિધ યોજનાઓ થકી હું મારા વ્યવસાયને ઝિરોમાંથી વિરાટ કરી શકી છું. હાલ હું અને મારા ઘરની મહિલાઓ આ વ્યવસાયમાં જોડાઇને પગભર બન્યા છીએ. સરકાર જે રીતે મહિલાઓને પગભર બનવા વિવિધ ક્ષેત્રે મદદ કરી રહી છે તેના કારણે મારા જેવી અનેક મહિલાઓ માટે જીવન જીવવું સરળ અને સન્માનજનક બન્યું છે. આ માટે હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કરું છું .