મતદાન જાગૃતિ હેઠળ સમગ્ર કચ્છની શાળાઓમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી, કચ્છ અને જિલ્લા SVEEP નોડલ અધિકારી દ્વારા જિલ્લાની તમામ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં મતદાન જાગૃતિ થીમ આધારિત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત કચ્છના વિવિધ ગામ અને શહેરની જાહેર જગ્યાઓએ રંગોળીઓ બનાવવામાં આવી હતી. આ રંગોળીના માધ્યમથી જાહેર જનતાને મતદાન જાગૃતિ માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો.
મતદાન જાગૃતિ અંતર્ગત યોજાયેલી આ રંગોળી સ્પર્ધાને જાહેર જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. મતદારોને આગામી સમયમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા SVEEP નોડલ અધિકારી શ્રી બી.એમ.વાઘેલાના નેતૃત્વમાં SVEEP હેઠળ પ્રવૃત્તિઓનું આયોજન અને સંકલનની જવાબદારી શ્રી જી.જી.નાકર અને શ્રી શીવુભા ભાટીએ સંભાળી હતી.