બ્રેક ફેલ થતાં જ પિકઅપ વાન પલટી:વાગરાની વિલાયત જીઆઇડીસીમાં શ્રમિકો ભરેલી પિકઅપ વાનને અકસ્માત નડ્યો, બે શ્રમિકોના મોત, ૧૩થી વધુને ઈજા
ભરૂચના વાગરા તાલુકામાં આવેલી GIDCમાં શ્રમિકોને લઈને જઈ રહેલી પીકઅપ વાનની બ્રેક ફેઈલ થઈ જતા પલ્ટી મારી ગઈ હતી. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા બે શ્રમિકોનું મોત નીપજ્યું હતું. જ્યારે ૧૩ વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં.
ભરૂચ જિલ્લામાં અનેક GIDC ઓ આવેલી છે. જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામગીરી કરવા માટે આવતા હોય છે. જોકે, તેમને લાવવા-લઈ જવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. ત્યારે અમુક કંપનીઓ દ્વારા તેમને લાવવા-લઈ જવા ઘેટાં-બકરાંની જેમ વાહનોમાં મજૂરોને ભરવામાં આવતા હોય છે. ત્યારે ગત રોજ વાગરા ખાતેથી એક પિકઅપ વાનમાં અંદાજીત ૧૫ જેટલા શ્રમિકોને ભરીને વિલાયાત GIDC માં જઈ રહી હતી. આ સમય દરમિયાન વાગરા જીઆઇડીસીમાં આવેલા ભુત-બંગલા નજીક પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતાં ગાડી પલટી મારી ગઈ હતી.
અકસ્માતમાં પિકઅપ વાનમાં સવાર ૧૫ જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં એક શ્રમિક કુંદનકુમાર સીંગને ગંભીર ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સરવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન વધુ એક શ્રમિક રોઝા અંસારીનું મોત નીપજ્યું હતું. વધુ બે વ્યક્તિઓ હજુ પણ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પીએસસાઈ અનિતાબા જાડેજા સહિત પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ