ભચાઉના અમુક રહેણાંક વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવા લોકની માંગ ઉઠી

ભચાઉ નગરનાં હિંમતપુરાના ખાડી વિસ્તાર, બટિયા વિસ્તારના મદીના નગર, જૂનાવાડા વગેરે વિસ્તારોમાં દેશી દારૂના પોઇન્ટ તથા અમુક જગ્યાએ ભઠ્ઠીઓ ધમધમી રહી છે. રહેણાંક વિસ્તારોમાં આવા દૂષણોનાં કારણે મહિલાઓ, યુવતીઓ ઘરમાંથી બહાર નીકળી શકતી નથી. અમુક જગ્યાએ સાંગુડીઓ પડયા-પાથર્યા રહેતા હોય છે. આવા તત્ત્વોનાં કારણે અહીં મહિલાઓમાં ભયનો માહોલ છવાયો છે. આ અંગે પોલીસને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને તંત્રએ ચેતવણી આપતાં એકાદ-બે દિવસ આવા હાટડા બંધ રહ્યા હતા, પરંતુ આ  ભઠ્ઠી થોભવાનું નામ નથી લેતી અને પોઇન્ટ તથા ભઠ્ઠીઓ પુન: શરૂ થઇ ગઇ હતી. અમુક જાગૃત યુવાનોએ જો આ  ભઠ્ઠીઓ  બંધ નહીં કરાય તો જનતા રેડની ધમકી આપી હતી અને રેડ દરમ્યાન સોશિયલ મીડિયા ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. અહીં દેશી દારૂ ઢીંચીને અનેક લોકો બેહાલ  થયા છે. અગાઉ ભચાઉમાં જ લઠ્ઠાકાંડ સર્જાયો હતો ત્યારે પુન: આવો કાંડ સર્જાય તે પહેલા આવી તમામ  ભઠ્ઠીઓ  બંધ કરાવવા લોકો દ્વારા માંગ કરવામાં આવી .