અંજાર પોલીસ મથકે ગેરવાજબી વર્તન કરતા પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ
અંજાર પોલીસ મથકે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી બાદમાં આરોપીને પકડી માર મારવા દબાણ કરી પોલીસ સાથે અશોભનીય, ગેરવાજબી વર્તન કરતા પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. અંજાર પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. મેઘપર બોરીચીની ભાગ્યશ્રી સોસાયટીમાં રહેનાર મહિલાએ માધાપરના એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે અંગે ચાર લોકો પોલીસ મથકે આવ્યા હતા અને શખ્સને તાત્કાલિક પકડો અને માર મારો તેવી માંગ કરતાં ફરિયાદીએ જે કાયદાકીય કાર્યવાહી થતી હશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેતાં આરોપીઓ ઉશ્કેરાઈ જોરથી દલીલો કરી ગેરવાજબી વર્તન કરવા લાગ્યા હતા અને ફરિયાદીનો વીડિયો ઉતારવાનું કહેવા લાગ્યા હતા. આરોપીને પકડવા દબાણ કરાતાં ફરિયાદીએ પી.આઈ. આવે તો તેમને રજૂઆત કરવા જણાવેલ હતું. બાદમાં બપોરે પી.આઈ. આવતાં તેમની પાસે જઈ ઊંચા અવાજે દલીલો કરી આરોપીને પકડવા કાર્યવાહી નહીં કરો ત્યાં સુધી અહીં બેસી રહેશું, તેમ કહી યુવાન વીડિયો ઉતારવાની ના કરાતાં મહિલાઓએ પણ વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની ફરજમાં રુકાવટ કરાતાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.