કુનરિયાના વાડી વિસ્તારમાં ભૂંગાંમાંથી 87 હજારના મુદ્દામાલની ચોરી
કુનરિયાની સીમના વાડી વિસ્તારના બે ભૂંગાંને તસ્કરોએ નિશાન બનાવી દાગીનાના માલ-સામાન ભરેલી બે પેટી તફડાવી દાગીના-રોકડ કાઢીને દૂર ફેંકી દેતાં દાગીના, રોકડ અને મોબાઇલ સહિત રૂ. 87,100ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી . આ અંગે માધાપર પોલીસ મથકે કુનરિયા ગામના વાડી વિસ્તારમાં એક શખ્સ ની વાડીમાં ભૂંગાંમાં રહેતા શખ્સે નોંધાવેલી ફરિયાદ અનુસાર તા. 25/4ના રાતે 11 વાગ્યે સૂઇ ગયા બાદ તેના સાળાએ તેનો પોતાનો મોબાઇલ ચાર્જિંગમાં મૂક્યો હતો જે બે વાગ્યે લેવા જતાં જોવા મળ્યો ન હતો. આથી ફરિયાદીને ઉઠાડતાં આ મોબાઇલ ઉપરાંત ભૂંગાંમાં રાખેલી સામાનની પેટી પણ ગૂમ હતી. બાજુમાં જ ફરિયાદીના સાળાનું ભૂંગું હતું . તે ભૂંગાંમાં પણ જઇને જોયું તો સામાન ભરવાની પેટી ન હતી. આજુબાજુ વાડીમાં તપાસ કરતાં થોડેક દૂર તાળાં તૂટેલી અને સામાન વેરવિખેર સાથે પેટી પડી હતી. ફરિયાદીની પેટીમાંથી સોનાની બે બુટ્ટી કિં. રૂા. 21000, ચાંદીના પટ્ટા કિં. રૂા. 22000, ચાંદીની પોંચી કિં. રૂા. 5000, ચાંદીનો લૂસ રૂા. 5000, ચાંદીનું મંગળસૂત્ર કિં. રૂા. 4000, રોકડા રૂા. 6000 તેમજ સાળાના ભૂંગાંની પેટીમાંથી સોનાની વીંટી રૂા. 6000, ચાંદીની વીંટી કિં. રૂા. 500, ચાંદીનું ચગદું કિં. રૂા. 900, ચાંદીની ચેન કિં. રૂા. 3000, ચાંદીની પોંચી કિં. રૂા. 1200 અને એક મોબાઇલ કિં. રૂા. 12,500 એમ કુલે રૂા. 87,100ના રોકડ, દાગીના અને મોબાઇલ સહિતના મુદ્દામાલની અજાણ્યા ચોર ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી .