ભુજમાં 11 માસ પૂર્વે થયેલ ચોરીનો ભેદ ઉકેલતી LCB
11 માસ પૂર્વે ભુજની ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ પાસેથી કારમાંથી રોકડ-મોબાઇલ કુલ કિમત રૂા. 24,000ના મુદ્દામાલના પર્સની ચોરી થઇ હતી, જેમાં બળદિયાના આરોપીને એલસીબીએ ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો . શાકભાજીના વેપારી ગત તા. 26/6/23ના ઇન્દ્રાબાઇ ગર્લ્સ સ્કૂલ પાસે પોતાની કાર ઊભી રાખી હતી અને ખાલી સાઇડના દરવાજાનો કાચ થોડો ખુલ્લો રહી ગયો હતો, જેનો અજાણ્યા ચોરે લાભ ઉઠાવી કારમાંથી પર્સની ચોરી કરી હતી, જેમાં રોકડા રૂા. 16,000 તથા મોબાઇલ ફોન કિં. રૂા. 8000 એમ કુલે રૂા. 24,000ની ચોરી ફરિયાદ એ-ડિવિઝનમાં જે તે સમયે નોંધાવી હતી. એલસીબીની ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી કે આ ચોરીમાં ગયેલો મોબાઇલ બળદિયાનો શખ્સ વાપરે છે અને હાલ તે મિરજાપર પાસે પરિશ્રમ કોમ્પ્લેક્સ નજીક ઊભો છે. આથી ચોરાઉ મોબાઇલ સાથે આરોપીની અટક કરવામાં આવી હતી. આગળની કાર્યવાહી અર્થે એ-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો