9 મહિના બાદ પકડાયેલી 1.84 લાખની સીરપમાં આલ્કોહોલ મિશ્રિત હોવાનું સામે આવતા ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

copy image

copy image

ભુજમાં નવ માસ પૂર્વે એલ.સી.બી.એ કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટ મારફતે આવેલી 1.84 લાખની શંકાસ્પદ સિરપની બોટલો જપ્ત કરી હતી, જેના રાજકોટથી પૃથક્કરણના તપાસના અહેવાલમાં આ સિરપમાં 15 ટકા આસપાસ આલ્કોહોલ (દારૂમિશ્રિત) હોવાનું ધ્યાને આવતાં ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગત તા. 14/9/23ના એલસીબીની ટીમે બાતમીના આધારે કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટ ઓફિસની બહાર ઇકો કાર રોકાવી તપાસ કરતાં નશાકારક બે પ્રકારની હર્બલ સિરપની 1239 બોટલ જેની કિં. રૂા. 1,84,611 અને ઇકો કાર કિં. રૂા. 1,50,000 એમ કુલે રૂા. 3,34,611ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી . પોલીસ તપાસ દરમ્યાનની પૂછતાછમાં આરોપીને ભુજથી નખત્રાણા સુધી આ માલ (સિરપ) પહોંચાડવાનું કામ સોંપાયું હતું. મોરબીના શખ્સે માલ મોકલાવ્યો હતો અને નખત્રાણાના શખ્સને આપવાનો હતો. ઝડપાયેલી બંને પ્રકારની શંકાસ્પદ સિરપના નમૂના રાજકોટ એફએસએલ કચેરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાં આલ્કોહોલ (દારૂમિશ્રિત) હોવાનું સામે આવતાં ત્રણે આરોપી ઉપર બી-ડિવિઝન પોલીસે પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી