કોડકી નજીક પગપાળા જતી પાંચ મહિલાઓને કારચાલકે ટક્કર મારતાં મહિલાઓ ઘાયલ
ધાર્મિક પ્રસંગ પતાવીને પરત ઘરે જવા નીકળેલી કોડકીની મહિલાઓને મજૂરીકામ અર્થે આવેલા પરપ્રાંતીય શખ્સોએ પોતાના કબજાની ઈકો ગાડી પૂરઝડપે હંકારીને જોરદાર ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવ બાદ નાસેલા આ શખ્સોએ અન્ય મહિલાઓને પણ હડફેટમાં લીધી હતી. અકસ્માત સર્જ્યા બાદ આરોપીઓ નાસી ગયા હતા, જેમને ગામલોકોએ પકડીને માનકૂવા પોલીસને બોલાવી સોંપ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, ધાર્મિક પ્રસંગે ગયેલી મહિલાઓ પરત ઘરે જતી હતી તે વેળાએ કોડકી બાજુથી આવતી ગાડીના ચાલકે બેદરકારીપૂર્વક ગાડી હંકારી આ મહિલાઓ પૈકી બેને જોરદાર ટક્કર મારી હતી, જેમાં એક મહિલા ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માત સર્જ્યા બાદ નાસવા જતાં આગળ જતી અન્ય ત્રણ મહિલાઓને પણ હડફેટમાં લીધી હતી. અકસ્માત કર્યા બાદ આરોપીઓ ગાડી મૂકીને નાસી ગયા હતા. જો કે, ગામલોકોએ તેમને પકડી લીધા પછી પોલીસને બોલાવી હતી અને ઘવાયેલી મહિલાઓને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. રબારી સમાજ તથા ભાજપના અગ્રણીએ વિગતો આપતાં જણવ્યું હતું કે, મજૂરી જેવા કામ અર્થે આવેલા આરોપીઓ મોડી રાતના ભુજ બાજુ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જ્યો હતો. બનાવની જાણ થતાં ઘાયલ મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ઘવાયેલી મહિલાઓ પૈકી એક મહિલાની હાલત ગંભીર છે, જ્યારે અન્ય મહિલાઓને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી . આ બાબતે માનકૂવા પોલીસનો સંપર્ક કરતાં કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.