કંડલા નજીક ભંગારના વાડામાં આગ ભભૂકી: બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

COPY IMAGE

COPY IMAGE

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પાછળ આવેલા ભંગારના વાડામાં કોઈ કારણસર આગ ભભૂકી હતી, જેને પગલે અગ્નિશામક દળોએ પાણીનો મારો ચલાવી અગનજ્વાળા પર કાબૂ મેળવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. કંડલાથી તુણા તરફ જતા રસ્તાથી થોડા અંતરે આવેલા ભંગારના વાડામાં આગ લાગી હતી. ભારે પવનનાં કારણે અગનજ્વાળા આસપાસમાં રાખેલા પ્લાસ્ટિક અને કચરાને ઘેરી વળી હતી, જેને કારણે ધુમાડાની ડમરીઓ ઊડી હતી. આ ઘટનાની જાણ થતાં કંડલા ટિમ્બર, નગરપાલિકાના અગ્નિશામક દળની ટુકડીઓ દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ સંકુલમાં સેંકડોની સંખ્યામાં નાના-મોટા ભંગારના વાડા આવેલા છે, જે પૈકી અહીંના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા વાડાઓમાં વારંવાર આગ અકસ્માતના બનાવો બહાર આવતા રહે છે. આ દરમ્યાન કાસેઝ પાછળ આવેલા વાડામાં આગ લાગી હતી, ત્યારે ફાયર સલામતીના ભાગરૂપે ભંગારના વાડા જોખમી સાબિત થઈ રહ્યા છે. પરિણામે આ મુદ્દે ગંભીરતા નહીં દાખવાય તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ લોકો દ્વારા વ્યક્ત કરાઈ હતી .