આડેસર પાસે ખેડૂતોની જીવાદોરી ઉપર ખનિજ માફિયાઓનો ઘા

આડેસર વાગડમાં બેફામ બનેલી ખનિજ ચોરી હાલ બંધ થઈ છે , પરંતુ ક્યાંક ને ક્યાંક ચોરી છૂપે પણ ચાલુ છે, તેની ગવાહી પૂરો પાડતો બનાવ બનાસકાંઠાથી કચ્છના પ્રવેશદ્વાર આડેસર અને તેની આસપાસના વિસ્તારોમાં કેનાલથી ખેતર સુધી નિગમ દ્વારા નાખવામાં આવેલી પાઈપલાઈન ખનિજમાફિયાઓ દ્વારા તોડી નાખવામાં આવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. પાઈપલાઈન તોડી ખેડૂતો ની જીવાદોરી ટૂંકાવવાના થયેલા પ્રયાસથી ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આ મામલે વહીવટી તંત્ર અને નર્મદા નિગમ સમક્ષ આડેસર ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરાઈ હતી. આ મામલે નિગમ દ્વારા પણ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી . આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ આડેસર પાસે પસાર થતી નર્મદાની ગાગોદર પેટા કેનાલમાંથી આડેસર ગામના અને સીમના ખેડૂતોને પાણી પહોંચાડવા માટે નર્મદા નિગમ દ્વારા આડેસરથી માખેલ વચ્ચે ખેતરો અને ડેમ ભરવા માટે સિંચાઈના પાણી પહોંચી શકે તે માટે મહકાય પાઈપો નાખ્યા હતા. આ વિસ્તાર વચ્ચે ખનિજચોરી કરતા ખનીજમાફિયાઓ દ્વારા આ પાઈપલાઈન તોડી નાખવામાં આવી હોવાની ફરિયાદ તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવી હતી . આડેસર નેશનલ હાઈવેમાં ભાલાબંધ સીમમાં આવેલી 600 ફૂટ લાંબી પાઈપલાઈન તોડી નાખવામાં આવી હતી . ગ્રામ પંચાયત સરપંચના જણાવ્યા પ્રમાણે ગામના ખેડૂતો અને અગ્રણીઓ સાથે નર્મદા નિગમને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે અને નર્મદા નિગમ દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી . હાલ ચોમાસું દ્વારે ટકોરા મારી રહ્યું છે, ત્યારે ચૂપચાપ ખનિજચોરી ચાલુ છે, જ્યાં આ પાઈપલાઈન કાપવામાં આવી છે, તે સ્થળે ઊંડા ખાડા કરી નાખવામાં આવ્યા છે. કેનાલ હાલ બંધ છે, ત્યારે કેનાલ ચાલુ થાય તે પૂર્વે અને ખાસ કરીને વરસાદ ચાલુ થાય એ પહેલાં કામ શરૂ કરાય તે જરૂરી છે જો વરસાદમાં ખાડાઓમાં પાણી ભરાઈ ગયું, તો આ પાઈપલાઈનનું સમારકામ થઈ નહીં શકે અને ખેડૂતોની ની કપાઈ ગયેલી જીવાદોરી પુન: જોડવામાં અવરોધ પડશે. અત્રે નોંધનીય છે કે, નિગમ દ્વારા છ ફૂટ વ્યાસની મહાકાય પાઈપલાઈન નાખવામાં આવી છે. આવી મોટી પાઈપલાઈનો પણ ખનિજમાફિયાઓએ તોડી નાખી છે. આ બાબતે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે, તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે.નહીં તો આડેસર અને તેની સીમમાં હજારો એકર જમીનમાં પાકને પાણી નહીં પહોંચી શકે.