ચોબારીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા નિપજાવાઇ
copy image

ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં યુવતી સાથેના સંબંધ અને તેને મળવા જવા મુદ્દે બે શખ્સો એ યુવાન ઉપર છરી વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી. હત્યાના બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. ચોબારી ગામના મોમાયમોરામાં રહેનારા યુવાનની ગત રાતના અરસામાં દરમ્યાન ગમે ત્યારે હત્યા કરવામાં આવી હતી. જે યુવાનની હત્યા કરાઇ છે તેની સગાઇ ચારેક મહિના અગાઉ કરવામાં આવી હતી. ખેતી કામ સાથે સંકળાયેલો આ યુવાનનો પરિવાર ગત રાતના વાળુ-પાણી કરીને રાત્રે અગ્યારેક વાગ્યા સુધી પરિવારના સભ્યો સાથે વાતચીત કરતા હતા, બાદમાં યુવાન પોતાના ઘરના ધાબા ઉપર સૂવા માટે ચાલ્યો ગયો હતો, જ્યારે તેના માતા-પિતા અને બહેન આંગણામાં તથા બનાવના ફરિયાદી અને આ યુવાનના મોટા ભાઇ પોતાના રૂમમાં સૂવા માટે ગયા હતા. તે દરમ્યાન વહેલી સવારે યુવાનના પિતા જાગી જતાં યુવાન ધાબા પર ન મળતાં તેમણે ફરિયાદીને જગાડયા હતા અને યુવાન ઘરે હાજર ન હોવાનું જણાવ્યું હતું. તે દરમ્યાન યુવાનની લાશ કબીરનગરમાં એક ઘરમાં પડી હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદી અને તેના પરિવારજનો ત્યાં જતાં યુવાનની લાશ લોહી લુહાણ હાલતમાં પડી હતી. તેને હોસ્પિટલ લઇ જવાયા બાદ લાશનું પીએમ કરાયું હતું. આ યુવાનને બે શખ્સો ડાબી બાજુ છાતીના નીચેના ભાગે પાંસળીમાં તથા પીઠના ભાગે છરીના ઘા ઝીંકી તેની હત્યા નિપજાવી નાસી ગયા હતા. યુવાનની હત્યાના ચકચારી એવા બનાવ અંગે વધુ કોઇ બનાવ ન બને તે માટે પોલીસે ગામમાં બંદોબસ્ત ગોઠવ્યો હતો . આરોપીઓને પકડી પાડવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી .