અંજારના આશાબા વે બ્રિજ પાસે અકસ્માતમાં કોલેજીયન યુવતીનું મોત
copy image

આદિપુરમાં રહેતી એક કોલેજીયન યુવતી સવારે કોલેજ જઈ રહી હતી ત્યારે ચિત્રકૂટથી આશાબા વે બિજ રોડ પરની ભીડભાડના કારણે સર્જાયેલા અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજાના પગલે તેનુ મૃત્યુ નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, આદિપુરની જનતા કોલોનીમાં રહેતી યાશકા કનૈયાલાલ વસંતદાની નામની ૧૯ વર્ષીય યુવતી સવારે તેમના ઘરેથી કોલેજ જવા માટે નીકળ્યા પછી તે અંજારના ચિત્રકૂટથી આશાબા વે બિજ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ માર્ગમાં રહેલી ભીડભાડના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યાશકાને ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત અંગે મૃતકના પિતા કનૈયાલાલે અંજાર પોલીસને જાણ કરતાં પોલીસે યુવતીનું પોસ્ટમોર્ટમ કરાવી એમ.એલ.સી. પરથી પોલીસ મથકે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે એ નોંધનીય છે કે, અંજારના ચિત્રકૂટથી આશાબા વે બિજના માર્ગ પર બંને બાજુ અલગ અલગ ફુટ સહિતના વેપારીઓ દ્વારા કરવામાં આવતા વેપારના કારણે આ માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યાઓ વારંવાર ઉદ્દભવવા પામતી હોવાનું તેમજ આ માર્ગ પર અકસ્માતોની ઘટનાઓ રોજબરોજની બની હોય જેથી પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી હતી.