સિનુગ્રાની સીમમાં શ્રમિકની હત્યા કરનારા બે ઇસમોને પકડી લેવાયા
copy image

સિનુગ્રાની સીમમાં આવેલી ભાગ્યલક્ષ્મી ઈન્ફા પ્રોજેકટમાં કામ કરતા મજૂરની જૂના ઝઘડાના મનદુ:ખના કારણે બે મજૂરોએ પથ્થરના ઘા મારી હત્યા નીપજાવી નાસી ગયા હતા. પોલીસે બાતમીના આધારે ઓડિશાના બંને હત્યારાઓને ઝડપી લઈ અદાલતમાં રજૂ કરતાં અદાલતે બંને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. ભાગ્યલક્ષ્મી ઈન્ફ્રા. પ્રોજેકટમાં મજૂરીકામ કરતા ચરકુનાગ ઈન્દ્રા શાહુ સાથે કામ કરતા સાગર ઉર્ફે બહેરા અને ભીમસિંગ રોતિયા નામના મજૂરોને છ મહિના પહેલાં થયેલા ઝઘડા અને તકરારના મનદુ:ખના કારણે ગત મંગળવારે સાંજના અરસામાં ચરકુનાગને કંપનીના સામેના મેદાનમાં આંતરી તેની ઉપર પથ્થરના ઘા મારી હત્યા નીપજાવી નાસી ગયા હતા. જતીન હીરજીભાઈ સોરઠિયાએ અંજાર પોલીસમાં બંને શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પરથી પી.આઈ. એ.આર. ગોહિલ તથા પી.એસ.આઈ. વી.એ.ઝા અને સ્ટાફ દ્વારા હત્યાના આરોપીઓને ઝડપી લેવા હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરતા મળેલી બાતમીના આધારે પોલીસે ઓડિશાના સાગર ઉર્ફે બહેરા નાગ નાયક અને ભીમસિંગ રઘુનાથસિંગ રોતિયાને ઝડપી લીધા હતા.