ગાંધીધામમાં પોતાના ઘરમાં આંકડા લેતો ઈસમ ઝડપાયો
copy image

ગાંધીધામનાં સુંદરપુરી વિસ્તારમાં ઘરની અંદર વરલી મટકાના આંકડાનો જુગાર લેતા એક શખ્સને પોલીસે અટક કરી તેની પાસેથી રોકડા રૂા. 4230 કબ્જે કર્યા હતા. ગાંધીધામની સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ કરતાં-કરતાં સુંદરપુરીમાં દ્વારકા ફર્નિચર પાસે આવેલા સુંદરપુરીમાં દશામા મંદિર પાછળ રહેનારો ગોવિંદ ઉર્ફે ટીલો માજી રાણા નામનો શખ્સ પોતાના ઘરમાં આંકડાનો જુગાર લેતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તેના ઘરે છાપો માર્યો હતો. ઘરમાંથી ગોવિંદ ચોથાજી માજીરાણાને પકડી દરવાજા પાછળ બુટમાંથી આંકડા લખેલી ચીઠ્ઠી તથા તેના ખિસ્સામાંથી ચીઠ્ઠી કબજે કરવામાં આવી હતી. તેની પાસે આવતા ગ્રાહકો પાસેથી આંકડા લઇ પૈસા લઇને લોકોને આંકડાનો જુગાર રમાડતો હતો પકડાયેલા આ શખ્સ પાસેથી રોકડ રૂા. 4230 હસ્તગત કરવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અગાઉ આવા પન્ટરો જાહેરમાં આંકડા લેતા હતા, હવે ઘરે બેઠા-બેઠા આંકડા લેતા થઇ ગયા હતા.