વાંઢમાં દારૂ વેચવા માટે કેમ ના પાડી  કહીને યુવાન પર હુમલો

copy image

copy image

માંડવી તાલુકાના દરશડી ગામમાં ચાર શખ્સો દ્વારા વાંઢ ગામના યુવાન પર લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે ગઢશીશા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગે વાંઢ ગામના પ્રવીણ મેઘ રાજ સંઘારે નોંધાવેલ ફરિયાદ મુજબ  તા.૭નાં સાંજે ૪:૩૦ વાગ્યાના અરસામાં પ્રવીણભાઈ દવા લેવા માટે દરશડી ગામે આવ્યા હતા. આ દરમ્યાન દરશડી ગામનો ભાવસંગ ભગુભા જાડેજા નામનો શખ્સ  ત્યાં આવ્યો હતો. ભાવસંગે પ્રવીણ ભાઈ ને બહાર નીકળવાનું કહેતાં પ્રવીણભાઈ બહાર નીકળ્યા હતા. આરોપી ભાવસંગ સાથે અન્ય ત્રણ અજાણ્યા શખ્સો પણ હતા. ભાવસંગ લાકડીથી પ્રવીણભાઈને મારવા લાગ્યો હતો. આ દરમ્યાન અન્ય ત્રણ શખ્સો પણ પ્રવીણભાઇ પર તૂટી પડયા હતા. ભાવસંગે પ્રવીણભાઈને કહ્યું કે, તે મને અગાઉ વાંઢ ગામમાં દારૂ વેચવાની કેમ ના પાડી હતી તેમ કહીને પ્રવીણને માર માર્યો હતો. બાદમાં અન્ય લોકોએ વચ્ચે પડીને પ્રવીણને છોડાવ્યો હતો. જોકે, આરોપી ભાવસંગે જતાં જતાં બીજીવાર દરશડીમાં આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ગઢશીશા પોલીસે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.