બિબ્બરમાંથી વાયર ચોરીને લઈ જતી ચોર ટોળકીને નિરોણા પોલીસે પકડી

copy image

copy image

નખત્રાણા તાલુકાના બિબ્બરની સીમમાં સુઝલોન કંપનીની બંધ વીજલાઈનમાંથી 1750 કિલો વજનના વાયર કાપી બોલેરોમાં ભરી જતી ચોર ટોળકીને રાતના અરસામાં  પેટ્રોલિંગ દરમ્યાન પદ્ધર પોલીસે ઝડપી હતી જે અંગે આરોપીઓ વિરુદ્ધ વિધિવત ગુનો દાખલ થયો હતો . ગત તા. 4/7ના નિરોણા પોલીસ રાતના અરસામાં  પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં બિબ્બરથી ખારડિયા જતા રોડ પર એક બોલેરો કિં. રૂ. પાંચ લાખવાળીના ઠાંઠામાં ઈલેકટ્રીક વાયર  ભરેલા હતા જેનું વજન 1750 કિલો કિં. રૂા. 70,000 હતું અને પોલીસે આ કામના આરોપી ઈકબાલ સુલેમાન મમણ, મીરખાન જાકુબ મમણ, આસીફ લતીફ મમણ (રહે. ત્રણે નાના વરનોરા, તા.ભુજ) અને અસલમ સાલે ત્રાયા (કમાગુના) તથા દનુભા હમીરજી સોઢા (બિબ્બર)ને ઝડપી પૂછતાછ કરતાં તેઓએ સાથે મળી બિબ્બરની સામેથી નીકળતી વીજલાઈનમાંથી આ વાયર ચોર્યાની કબૂલાત કરી હતી. તપાસમાં આ વીજલાઈન સુઝલોન કંપનીની હોવાનું પોલીસને જણાતાં તેઓને જાણ કરાતાં કંપનીના ડ્રાઈવરે ચોરાઉ માલ તેઓની કંપનીનો હોવાની ખરાઈ કરતાં કંપનીના સિક્યુરિટી આસિસ્ટન્ટ મેનેજર દીપેન્દ્રસિંહ જાડેજાએ આરોપીઓ વિરુદ્ધ કંપનીના વીજતાર કિં. રૂા. 70 હજારની ચોરી કરી ગુનો કર્યાની ફરિયાદ નિરોણા પોલીસ મથકે નોંધાવી હતી.