ખેડોઇ પાસે બાઇક ચાલકને અજાણ્યાં વાહને હડફેટે લેતાં મોત
copy image

અંજાર તાલુકાના ખેડોઇ નજીક ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સામેના માર્ગ ઉપર અજાણ્યાં વાહને બાઇકને હડફેટમાં લેતાં ખેડોઇના વેલજી ઉકાભાઇ થારુ (મહેશ્વરી) નામના યુવાનનું મોત નિનપજયું હતું.મોટી ખેડોઇમાં રહેનારો બે સંતાનના પિતા એવો આ યુવાન વેલજી થારુ ગત તા. 14-7ના બપોરના અરસામાં ખેડોઇથી અંજાર બાજુ જઇ રહ્યો હતો. બાઇક લઇને ખેડોઇથી નીકળેલો આ યુવાન ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપની સામે પહોંચ્યો હતો. તેવામાં પૂરપાટ આવતાં કોઇ અજાણ્યાં વાહને આ બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇકચાલક યુવાનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે અંજારની હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેને વધુ સારવાર નસીબ થાય તે પહેલાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. હિટ એન્ડ રનના આ બનાવમાં નાસી જનારા વાહનચાલક વિરુદ્ધ શિતલબેન થારુએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.