મોટી ચીરઇમાં વાહનોની કટિંગ કરી ભંગાર એકત્ર કરાતાં પોલીસ ફરિયાદ

copy image

copy image

ભચાઉ તાલુકાના  જૂની મોટી ચીરઇ નજીક આર.ટી.ઓ. તરફથી ના-વાંધા પ્રમાણપત્ર ન મેળવી ત્રણ ટ્રકોનું કટિંગ કરી તેનો ભંગાર કરનારા શખ્સ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. અહીંથી રૂા. 2,69,500નો ભંગાર મળી આવ્યો હતો. જૂની મોટી ચીરઇમાં તખુભા નવુભા જાડેજાના વાહન પાર્કિંગ પ્લોટમાં ભંગારનો ધંધો કરનારા દશરથ હરીશ લુહારને ત્યાં પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે અહીં છાપો મારતાં ટ્રક કટિંગ માટે પડી હોવાનું બહાર આવ્યું હતું. આ વાહનમાંથી અમુક ભાગનું કટિંગ કરી નાખવામાં આવ્યું હતું તેમજ બાજુમાં જુદા જુદા પ્રકારનો ભંગાર મળી આવ્યો હતો, જે કટિંગ કરેલી બે ટ્રકોનો હોવાનું દશરથ લુહારે જણાવ્યું હતું. આ સંચાલક પાસેથી આર.ટી.ઓ. માન્ય વાહનોની નોંધણી રદ કરવા અંગેનું ના-વાંધા પ્રમાણપત્ર મગાતાં તે આપી શક્યો ન હતો. આવા પ્રમાણપત્ર વગર તેણે ત્રણ વાહનોનું કટિંગ કરી તેમાંથી ભંગાર એકત્ર કર્યો હતો. અહીંથી રૂા. 2,69,500નો ભંગાર, ગેસ કટ્ટર, નળી, કોમર્શિયલ ગેસનો બાટલો, ઓકસિજનના બે બાટલા વગેરે મળી આવ્યા હતા, જે ત્યાં જ રાખવા આદેશ કરવામાં આવ્યો હતો. વાડાના આ સંચાલક વિરુદ્ધ પોલીસે જુદી જુદી કલમો તળે ગુનો નોંધ્યો હતો.