ઠગાઈ કેસમાં ભુજ અને મોટા અંગિયાના ૩ શખ્સોની ધરપકડ

copy image

copy image

પુણેમાં રહેતા એક વ્યકિત સાથે કરોડોની ઠગાઈ કરવાના કેસમાં કચ્છના ત્રણ શખ્સોની સંડોવણી ખૂલતા ચંદન નગર પોલીસે બુધવારે ભુજના કૈલાસ નગર, ઉમેદ નગર તથા મોટા અંગિયા ગામના ત્રણ શખ્સોની સ્થાનિક પોલીસને સાથે રાખીને અટકાયત કરી હતી. અટકાયત કરેલા શખસોનું મેડિકલ પરીક્ષણ કરાવ્યા પછી પોલીસ ચંદન નગર જવા રવાના થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્રના પુણેના ચંદન નગરના એક વેપારી સાથે કરોડોની ઠગાઈની ફરિયાદ પોલીસ માં નોંધાયા બાદ તપાસમાં ચંદન નગર પોલીસે ઝડપેલા શખ્સોની પૂછપરછમાં પશ્ચિમ કચ્છના ત્રણ શખ્સોની સંડોવણી ખૂલવા પામી હતી. આથી ચંદન નગર પોલીસ ભુજ પોલીસનો સંપર્ક કરી ઠગાઈ કેસમાં સંડોવાયેલા શખ્સોની જાણકારી આપી હતી. બાદમાં ચંદન નગર પોલીસ બુધવારના રોજ ભુજ પહોંચી હતી અને એલસીબી પીઆઈ એસ.એન. ચુડાસમાને સાથે રાખી ચંદન નગર પોલીસે ભુજના કૈલાસ નગરમાં શિવમંદિર પાસે રહેતા રોનક અશ્વિનભાઈ નાકર (ઉ.વ.૨૮) તેમજ ભુજના ઉમેદ નગરમાં રહેતા મૂળ અબડાસાના કોઠારા ગામના દિવ્યરાજસિંહ અમરસિંઘ સોઢા અને નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગામના મોહિતકુમાર દિનેશભાઈ શાહ (ઉ.વ.૨૭)ની અટકાયત કરી હતી.