નાના દિનારાથી 40 કિલો ગૌવંશનું માંસ પકડાયું : પોલીસને જોઇ આરોપી નાસી ગયો

ખાવડા પોલીસે બાતમીનાં પગલે નાના દિનારા પાસેથી 40 કિલો જેટલું ગૌવંશનું માંસ પકડી પાડયું હતું. જો કે, પોલીસને જોઇ બાઇક-માંસ મૂકી શખ્સ ભાગી છૂટયો હતો. ખાવડા પોલીસને બાતમી મળી હતી કે નાના દિનારાના અલૈયાવાંઢના બસ સ્ટેશન પાછળથી સ્પ્લેન્ડર બાઇક સાઇડમાં એક કોથળામાં અંદાજે 40 કિલો પશુમાંસ ભરીને એક શખ્સ આવે છે, જેથી પોલીસે બાતમીના પગલે તપાસ કરતાં પોલીસને જોઇ બાઇક-ગૌમાંસ મૂકી શખ્સ નાસી છૂટયો હતો. ખાવડા પોલીસે માંસના નમૂના લેવડાવી પૃથક્કરણ કરવા તપાસ  આદરી, આ બનાવ અંગે જાણવાજોગ દાખલ કરી તજવીજ ચાલુ કર્યા બાદ આ માંસ ગૌવંશનું હોવાનું સામે આવતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.