ખારોઈમાં ઘરમાંથી ચોરી કરનાર મહિલા-શખ્સ સામે ફરિયાદ

copy image

copy image

ભચાઉ તાલુકાના ખારોઈ ગામમાં પુત્રવધૂ અને એક શખ્સે ઘરમાંથી રોકડ રકમ, દાગીના વગેરે રૂા. 4,48,500ની ચોરી કરી બાદમાં અમુક રકમ પરત આપી છતાં રૂા. 73,000 પરત ન કરાતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી..ખારોઈમાં રહેનાર ફરિયાદી રામશી પૂંજા કોળી તથા તેમના પત્ની ગત તા. 15/7ના પોતાનાં ઘરની ઓસરીમાં સૂતા હતા. તેમનો પૌત્ર રાપર ગયો હતો. પુત્રવધૂ ઘરે હતા ત્યારે મોડી રાત્રે અવાજ થતાં ફરિયાદી જાગી જતાં નિકુલ અમરશી કોળી હાથમાં છરી, થેલો લઈને ઊભો હતો. તેની પાછળ તેમની પુત્રવધૂ ઊભી હતી. આ શખ્સે છરી બતાવી ધમકી આપી બંને નાસી ગયા હતા. ફરિયાદીએ તેમનો પીછો કરતાં મહાદેવ રસ્તામાં ઊભો હતો. તમે બંને ભાગો હું જોઈ લઈશ તેમ કહેતાં ફરિયાદી પરત ઘરે આવ્યા હતા અને ઘરે પીપડા જોતાં તેના નકૂચા તૂટેલી હાલતમાં હતા, તેમાંથી રોકડ રકમ તથા દાગીના મળીને કુલ રૂા. 4,48,500ની મતા સેરવી  જવાઈ હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદી પોલીસ મથકે જતાં ત્યાં સામાજિક રીતે સમાધાન થતાં ફરિયાદીને દાગીના અને રૂા. 1,07,000 મળી ગયા હતા. પરંતુ રૂા. 73,000 પરત ન મળતાં અંતે બનાવ અંગે પોલીસ દફતરે ફરિયાદ થઈ હતી.