મુન્દ્રાના વેપારી સાથે ૧૮.૯૫ લાખની ઠગાઇ
copy image

મુન્દ્રાના વેપારી પાસેથી કોમ્પ્યુટર, પ્રિન્ટર તથા લેપટોપ ખરીદી અલગ-અલગ તારીખોના અલગ-અલગ ચેક આપ્યા, પણ એકેય ચેક પાસ ન થતાં રૂા. 18,95,141ની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવાઈ હતી. આ બનાવ અંગે મુન્દ્રા પોલીસ મથકે નાઈસ ઈન્ફોટેક નામની કોમ્પ્યુટર અને સ્પેરપાર્ટસની દુકાન ધરાવતા વેપારી નિતેશ જેન્તીલાલ સેંઘાણીએ નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 14/3/24ના તેની પાસે એક ગ્રાહકે ચાર કોમ્પ્યુટર સેટ રૂા. 1.64 લાખના ખરીદ્યા હતા. તેની પાસે પૈસા માગતા તેણે રૂા. 1.23 લાખનો અને રૂા. 37,800 તથા રૂા. 41000ના એમ ત્રણ ચેક આપ્યા હતા. વેપારી આ ત્રણ ચેક જમા કરવા જતાં બાઉન્સ થયા હતા. આથી ઈમરાનભાઈને ફોન કરતાં તેણે વેપારીનો વિશ્વાસ કેળવી અન્ય ખરીદી કરી બીજા ચેકો આપ્યા હતા. આરોપી ઈમરાને ફરિયાદીને જણાવ્યું હતું કે, પોતે આ કોમ્પ્યુટર અને લેપટોપ કંપનીમાં સપ્લાય કરવાનું કામ કરે છે. તમારા નાણાં મળી જશે તેવી ધરપત આપી બે માસ સુધી ખરીદી કરી, પરંતુ નાણાં ન મળતાં રૂા. 18,95,141ની છેતરપિંડી ઈમરાન ઓસમાણ બાદી (રહે. મુન્દ્રા મૂળ જામનગર)એ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.