નખત્રાણાના વાડીવિસ્તારમાંથી કેબલ ચોર ટોળકી ઝડપાઇ
copy image

છેલ્લા થોડા દિવસથી નખત્રાણાના વાડીવિસ્તારમાંથી કેબલચોરીના બનાવો વધ્યા છે. ત્યારે નખત્રાણા પોલીસે સક્રિયતા દાખવી ચાર શખ્સની કેબલ ટોળકીને ઝડપી પાંચ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો . વધતી જતી કેબલચોરીના બનાવને લઇને નખત્રાણા પોલીસ મથકના પી.આઇ. એ.એમ. મકવાણાનાં માર્ગદર્શન અને સૂચનાના આધારે પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે સર્વેલન્સ સ્ક્વોડને બાતમી મળી હતી કે, વિથોણ ગામે રહેતો જગદીશ કારૂભાઇ કોલી પોતાની બાઇકથી અન્ય એક સાગરિત સાથે ચોરી કરેલા વાયર સળગાવી કોપર વેચવા નખત્રાણા આવે છે. આથી પોલીસે તેને નાગલપર ફાટક બાજુથી કોપર વાયર સાથે ઝડપી બંનેની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેમણે અન્ય સાગરિતો સાથે અલગ-અલગ વાડીઓમાંથી વાયરચોરીની કબૂલાત કરતાં અન્ય સાગરિતોને ઝડપી લીધા હતા. આ ઝડપાયેલી ચોર ટોળકીમાં જગદીશ ઉપરાંત વાલજી ઉર્ફે કાંતિ અલીભાઇ કોલી (રહે. બિટ્ટા, તા. અબડાસા), રસિક ઉર્ફે કાનો બાબુલાલ મહેશ્વરી અને રાજેશ ઉર્ફે રમેશ રામજી કોલી (રહે. બંને વિથોણ)નો સમાવેશ થાય છે. જ્યારે માલ ખરીદનાર આરોપી જયંતીલાલ વાલજી બિજલાણી (રહે. નખત્રાણા)ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ટોળકી પાસેથી પોલીસે સળગાવેલો કોપર વાયર વજન 83 કિલો કિં. રૂા. 41,500, બે મોબાઇલ ફોન કિં. રૂા. 10,000 અને ચોરીમાં વપરાયેલી બાઇક તથા કાર કિં. રૂા. 2,20,000નો મુદ્દામાલ જપ્ત લેવાયો હતો. આ કામગીરીમાં પી.આઇ. શ્રી મકવાણાનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર. ડી. બેગડિયા, એ.એસ.આઇ. યશવંતદાન ગઢવી, જયંતીભાઇ માજીરાણા, હે.કો. નિકુંજદાન ગઢવી, ગમનભાઇ સુવાતર, કોન્સ. લાખાભાઇ રબારી, મયંકભાઇ જોશી, મોહનભાઇ ગઢવી જોડાયા હતા.