ગાંધીધામ કોંગ્રેસના અગ્રણીની બંદૂક સાથે સ્ટેટસ રાખવાનું યુવાનને ભારે પડયું

copy image

copy image

અંજાર તાલુકાના વીડી ખાતે રહેતા શખ્સ સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનું સ્ટેટસ રાખ્યું હતું. આ વાતની જાણ થતાં પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમે તેને ઝડપી  લીધો હતો અને તપાસ કરતાં આ બંદૂક ગાંધીધામ  કોંગ્રેસના ઉપપ્રમુખની હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રો દ્વારા મળતી મુજબ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં માવજીભાઈ ઉર્ફે સારંગ રામજીભાઈ કોલી (રહે. પ્રાથમિક શાળા પાસે, વીડી તા. અંજાર)એ હથિયાર સાથે ફોટાની પોસ્ટ મૂકી હોવાનું ધ્યાને આવ્યું હતું. તેની ધરપકડ  કરી પૂછપરછ કરાઈ હતી, પરંતુ તેની પાસે કોઈ હથિયારનો પરવાનો ન હોવાનું અને પોતાના શોખ ખાતર ડબલ બેરલ બાર બોરના હથિયાર સાથે ફોટો મૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું.  આ હથિયાર અંગે વધુ તપાસ કરતાં ગાંધીધામ કોંગ્રેસના ઉપપ્રમુખ સલમાબેન સુલેમાન ગંઢ (રહે. ગાંધીધામ)નું હોવાનું સપાટી ઉપર આવ્યું  હતું, જેથી રૂા. 25000નું અગ્નિશસ્ત્ર હસ્તગત કરી લેવાયું હતું અને ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ તેમજ લાયસન્સધારકની શરતનો ભંગ કરવા બદલ બન્ને વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સૂત્રો દ્વારા  વધુમાં જાણવા મળ્યું  હતું કે, આરોપી માવજી વિરુદ્ધ દારૂ, મારામારી સહિતના 24 ગુના, જ્યારે મહિલા વિરુદ્ધ મરવા મજબૂર કરવા, જુગાર ક્લબ સહિતના ત્રણ ગુના નોંધાઇ ગયા છે.