પીપરાપાટી નજીક ખાણ ખનિજ વિભાગના બે કર્મચારી ઉપર હુમલો

copy image

copy image

ભચાઉ તાલુકાના સામખિયાળીથી આડેસર બાજુ જતા ધોરીમાર્ગ પીપરીપાટી સીમ હક સ્ટીલ કંપની નજીક ખાણ ખનિજ વિભાગે ચાઈનાક્લે ભરેલ બે ટ્રકો રોકાવતાં બોલેરોમાં આવેલા બે શખ્સોએ સરકારી કર્મચારીને માર મારી તેમની ફરજમાં રુકાવટ કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભુજમાં ખનિજ ખાતાના ફ્લાઈંગ સ્કવોડમાં ફરજ બજાવતા ફરિયાદી મનોજકુમાર બંસીલાલ ઓઝા તથા તેમની ટીમ ગત તા. 4/8ના સામખિયાળી-આડેસર રોડ પર હતી, દરમ્યાન 220 કેવી સબ સ્ટેશનથી થોડે દૂર બે ટ્રકોમાં ચાઈનાક્લે માટી ભરેલી હોવાનું બહાર આવ્યું હતું જે પૈકી એક  ટ્રકચાલક પાસે પાસ પરવાનો – રોયલ્ટી વગેરે કાંઈ જ નહોતું. બીજાએ સાદી રેતીના રોયલ્ટી પાસ આપતાં આ બંને વાહનચાલકોને કાર્યવાહી માટે સૂરજબારી ચેકપોસ્ટ બાજુ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે બોલેરો ગાડીમાં બે શખ્સ આવી ટ્રક રોડ પર ખાલી કરાવવા જતાં ફરિયાદી વચ્ચે પડતાં કરણ અશોક મણકા નામના શખ્સો મારી માથે બે મર્ડરના આરોપ છે ત્રીજો થશે તો ફરક  નહીં પડે તેમ કહી ફરિયાદી સાથે ઝપાઝપી કરી ટ્રકનો ફાલ્કો ખોલી ચાઈનકલે રોડ ઉપર ઢોળીને નાસી ગયા હતા. તેની સાથે તેનો પિતા અશોક મણકા હોવાનું પોલીસ મથકે ફરિયાદમાં જણાવાયું હતું. ખાણ ખનિજ વિભાગે આરટીઓમાંથી વિગતો મગાવતાં એક ટ્રક અશોક મણકાની તથા બીજી રજનીકાંત વલ્લભ છાત્રોલાની હોવાનું બહાર આવ્યું હતું. ચાઈનક્લેનું ગેરકાયદેસર વહન કરી રૂા. 3,56,503ની ખનિજચોરી કરનારા આ શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.