માંડવીમાં ચાર દુકાન ઉપર બળજબરીથી કબજો કરવા બાબતે ફરિયાદ
થોડા દિવસ પહેલાં માંડવીમાં વેપારીની ચાર દુકાન ઉપર બળજબરીથી કબજો કરવાનો બનાવ બન્યો હતો. જે-તે સમયે પોલીસ સમક્ષ ધા નખાયા બાદ વિધિવત ફોજદારી દાખલ થઇ હતી. આ અંગે માંડવી પોલીસ મથકે જોની રમણીકભાઇ છેડાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના પિતાએ માંડવી નગરપાલિકાની મિલકત (દુકાન) નં. 228વાળી સ્વ. જયાબેન જદુરામ સોની પાસેથી દુકાન ભાડે લીધી હતી અને છેલ્લા 50 વર્ષથી ભાડૂઆત છીએ. વર્ષ 2024નું ભાડું સ્વ. જયાબેનના પુત્ર રાજેશભાઇને આપી દીધું છે તેમજ 228/સીવાળી મિલકતમાં તેજકાયા સ્ટુડિયોના માલિક જવેરલાલ પરસોત્તમ સોનીના કબજાની દુકાન તેઓને ભાગીદારીથી આપેલ છે અને 228/એવાળીના કબજેદાર તરીકે ઓધવજી તુલસીદાસ છે. આમ, આ ત્રણે દુકાનો ફરિયાદીના કબજામાં છે. ગત તા. 18/8ના સવારે આરોપી માણશી દેવાંગ ગઢવી રહે. કાઠડા, તા. માંડવી તથા તેના માણસોએ ફરિયાદીની કબજાની મિલકત 228/સીવાળીના દુકાનનાં તાળાં તોડી તેમનાં તાળાં લગાડી દીધાં હતાં જેમાં 20થી 30 લાખનો સોના-ચાંદીનો સામાન પડયો છે તેમજ જગજીવન ઓધવજી સોનીની દુકાન પર પણ આવી રીતે બળજબરીથી કબજો કરી લીધો હતો. આ માણશી અને તેના માણસોને પૂછતાં તેઓએ જણાવ્યું કે, આ દુકાન અમે વેચાતી લઇ લીધી છે. આ અંગે રાજેશે ફરિયાદીને કોઇપણ પ્રકારની લેખિત કે મૌખિક જાણ કરી નથી, આથી તમે અમારી દુકાનમાં કેવી રીતે પ્રવેશ કરી શકો ? જેથી માણશી અને તેના માણસોએ હવે આ જગ્યા ઉપર આવતા નહીં, નહિતર જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. આમ 228, 228/એ, 228/બી, 228/સીવાળીના અમે કબજેદાર હોવા છતાં બળજબરીથી કબજો કરી, ધાક-ધમકી કર્યાની ફરિયાદ દાખલ કરાવાઇ હતી. પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.