પોક્સો કેસમાં આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારાઈ
નખત્રાણા તાલુકાના ઉખેડામાં બાળકી પર થયેલા દુષ્કર્મ અંગેના કેસમાં મૂળ હરિયાણાના વિશંભર ઉર્ફે કાલુ યોગેન્દ્રસિંહ મજબીશીખને પોક્સો કોર્ટે તકસીરવાન ઠેરવી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો અને આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા અને રૂા. છ લાખનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં ઉખેડામાં રહી મજૂરીકામ કરતો આરોપી વાડી વિસ્તારમાં કામ કરવા અને રસોઈકામ કરવા માટે પોતાની સંબંધી એવી સગીર વયની કન્યાને હરિયાણાથી બોલાવી લાવી જ્યાં તે પોતાના પરિવાર સાથે રહેતો હતો ત્યાં રોકાણ આપ્યું હતું. આ દરમિયાન ભોગ બનનારી બાળકી સાથે અવારનવાર બદકામ કર્યું હતું અને જો કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસમાં પોક્સો કાયદાની ખાસ અદાલતે વિવિધ 17 દસ્તાવેજી પુરાવા અને 12 જેટલા સાક્ષીઓ તપાસ્યા હતા. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી વિશંભરને તકસીરવાન ઠેરવી અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા ફટકારવા સાથે રૂા. છ લાખનો દંડ પણ કર્યો હતો. દંડની રકમ ભોગ બનનાર પીડિત સગીરાને પુખ્ત વયની થાય ત્યાં સુધી ડીએલએસએમાં ફિક્સ ડિપોઝિટમાં મૂકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી દલીલ કરી હતી.