ગાંધીધામની ભાગોળે ટ્રક હડફેટ આવતા બાળકનું મોત
ગાંધીધામની ભાગોળે ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ નજીક સર્વિસરોડ ઉપર આગળ જતી બાઇકને પાછળથી કન્ટેઇનર ટ્રકએ હડફેટમાં લેતાં બાળકનું પોતાના માતા-પિતાની નજર સમક્ષ મોત નીપજયું હતું. ગાંધીધામના જવાહરનગર બજાજ સોલ્ટની સામે રહી પેટિયું રળતા રાજસ્થાનના શ્રમિક પરિવાર ઉપર આભ ફાટી પડયું હતું. મજૂરી કરનારા બનાવના ફરિયાદી મુકેશકુમાર ખીમારામ જોહિંદના ત્યાં ત્રણ દીકરી બાદ જિજ્ઞાસુ (ઉ.વ. 5) નામનાં બાળકનો જન્મ થયો હતો. મુકેશના કાકા શાંતિધામ ગળપાદર રહેતા હોવાથી તે પોતે તેની પત્ની તથા સૌથી નાના બાળક જિજ્ઞાસુને લઇને બાઇક પર સવાર થઇ ત્રણેય શાંતિધામ બાજુ આવી રહ્યા હતા. તેમનું બાઇક ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ મહિન્દ્રાના શો રૂમ નજીક સર્વિસરોડ પર પહોંચ્યું હતું તેવામાં પાછળથી આવતાં કન્ટેનર ટ્રકએ બાઇકને હડફેટમાં લેતાં બાળક ફંગોળાઇને આ તોતિંગ વાહનોનાં પૈડા નીચે આવી ગયું હતું. તેના ઉપરથી ભારે પૈડાં ફરી વળતાં માસૂમ બાળકનું બનાવસ્થળે જ પોતાના માતા-પિતાની નજર સમક્ષ જ મોત નીપજયું હતું. બનાવથી ભારે ગમગીની પ્રસરી હતી. અકસ્માતના આ બનાવમાં ફરિયાદીની પત્ની સંતોષબેનને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી.