ગાંધીધામમાં ધોળા દિવસે ઘરનાં તાળાં તોડી 1.94 લાખના મુદ્દામાલની  ચોરી

copy image

copy image

ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં ધોળા દિવસે વરસતા વરસાદ વચ્ચે ઇસમોએ બંધ મકાનના તાળાં તોડી તેમાંથી રૂા. 1,94,500ની મતાની ચોરી  કરી હતી. શહેરના નવી સુંદરપુરીમાં આવેલા ભરવાડવાસમાં ગત તા. 28-8ના સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યાના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. અહિં રહેતા અનિલ પરબત સથવારાએ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ફઇના ઘરે વાસ્તુ હોવાથી ફરિયાદી પોતાના પરિવાર સાથે ભારતનગર વિસ્તારમાં ગયા હતા. જ્યાં વાસ્તુની વિધિ પૂર્ણ થતાં આ પરિવાર બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પરત પોતાના ઘરે આવ્યો હતો. મુખ્ય દરવાજાનું તાળું ખોલી અંદર જતાં અંદર તેમના માતા-પિતાના રૂમ, રસોડું વગેરે રૂમના તાળા તૂટેલા જણાયા હતા તેમજ ઇસમોએ સરસામાન વેરવિખેર કરી નાખ્યો હોવાનું બહાર આવ્યું હતું. કબાટ ખોલી તેની તિજોરીમાંથી 4.5 ગ્રામની સોનાની બે વીંટી, 50 ગ્રામનો ચાંદીનો ઝુડો, 35 ગ્રામનો સોનાનો હાર, 25 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર, એક ગ્રામની સોનાની વીંટી, ચાંદીની ત્રણ ચેઇન, ચાંદીની બે લક્કી તથા રોકડ રૂા. 15,000 એમ કુલ્લ રૂા. 1,94,500ની મતાની ચોરી કરી ઇસમો પલાયન થયા હતા. ધોળા દિવસે વરસતા વરસાદ વચ્ચે ઘરફોડ ચોરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. બનાવ અંગે પોલીસે  ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.