કચ્છના મુન્દ્રા તાલુકામાં ગત ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો

copy image

copy image

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર ૧.૩૬ એમ.એમ. જ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ એક ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. જ્યારે, રાજ્યના કુલ ૬૮ તાલુકામાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક દરમિયાન રાજ્યના કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકા એ યથાવત છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૭૯ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૪ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૫ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૮ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.