આદિપુરના જુમાપીર ફાટક નજીક થારને સળગાવાઈ, બોલેરોમાં તોડફોડ કરાઈ
આદિપુરના જુમાપીર ફાટક પાસે શુક્રવારે બપોરના અરસામાં વાહનો અથડાવવાના મામલે બે જૂથો વચ્ચે થયેલી બોલાચાલી વધુ ઉગ્ર બનતા મામલો બિચકતાં બે યુવાનો થાયલ થયા હતા. જોકે, એક જૂથ દ્વારા એક થાર જીપને સળગાવી નાખવામાં આવી હતી અને બીજા જૂથે એક બોલેરો ગાડીમાં તોડફોડ કરી હતી. પોલીસે બંને જૂથની ફરિયાદો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આદિપુરના જુમાપીર ફાટક પાસે શુક્રવારે બપોરના ૧૨ વાગ્યાના અરસામાં એક ચાર જીપ અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બંને ગાડીઓના ચાલકો વચ્ચે બોલાચાલી થયા પછી મામલો બિચકતાં બંને ચાલકોના સાથીદારો ઘટના સ્થળે દોડી આવતાં બંને જૂથ વચ્ચે સામસામા હુમલાઓ કરવામાં આવતા બે વ્યક્તિઓને ઈજા થવાથી તેઓને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાદમાં એક જૂથ દ્વારા બોલેરો ગાડી પર લોખંડના પાઈપ, ધોકા જેવા હથિયારો વડે તોડફોડ કરી નુકશાન કરવામાં આવ્યું હતું. જયારે બીજા જૂથે થાર જીપને આગ ચાંપી હતી. બીજી બાજુ સળગતી થાર જીપનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં આદિપુર પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હતા. તેમજ ઈજાગ્રસ્ત બંને લોકોની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.બંને જૂથ વચ્ચે વાહન ટકરાવવાના મામલે ઝગડો થયો હતો અને બંને સામસામા જૂથ દ્વારા ગાડીમાં તોડફોડ અને જીપ સળગાવી નાખવા અંગેની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.