વરસામેડીની સોસાયટીમાંથી ગાંજા-ભાંગ સાથે એક દંપતી ઝડપાયું

copy image

અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલી એક સોસાયટીનાં મકાનમાંથી દંપતીને પોલીસે પકડી પાડી તેમની પાસેથી રૂા. 38,000નો ગાંજો, ભાંગની ગોળીઓ, થ્રી પેપર વગેરે હપ્ત કર્યા હતા. દંપતીને માલ આપનારા શખ્સનું નામ બહાર આવ્યું હતું. અંજારથી વરસાણા જતા માર્ગે વરસામેડીમાં ખેતરપાળ દાદાનાં મંદિર સામે ઘનશ્યામ પાર્ક, પ્લોટ નં. 3, યુનિટ-એમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મકાનમાંથી નિશા સત્યેન્દ્ર રાજપૂત તથા તેના પતિ સત્યેન્દ્ર રામકઠિનસિંઘ રાજપૂતને પોલીસે પકડી પડ્યા હતા. તેમના કબજાનાં આ મકાનમાં પોલીસે તપાસ હાથ ધરતાં પેટીપલંગમાંથી પ્લાસ્ટિકની ઝીપવાળી નાની થેલીઓ મળી આવી હતી, જેમાં લીલા રંગના વનસ્પતિજન્ય પાંદડાં સાથેની ડાળખી, ભીનો-સૂકો ગાંજો મળી આવ્યા હતા તેમજ લાકડાંના ટેબલ ઉપર થર્મોવેગન લખેલા બોક્સમાંથી પણ ગાંજો મળી આવ્યો હતો તેમજ ભાંગની ગોળીઓના ચાર પેકેટ મળી આવ્યા હતા. આ દંપતી પોતાના ઘરે તથા દુકાને આવતા ગ્રાહકોને નાની થેલીઓમાં ગાંજો, ભાંગની ગોળીઓ વેચતું હતું. તેમની પાસેથી 1.80 કિલોગ્રામ ગાંજો, ભાંગની ગોળીના ચાર પેકેટ, કેપ્ટન ગોગો લખેલા કોન નંગ-બે, ગાંજો પીવા માટેના થ્રી પેપર, કોથળી વગેરે મળીને કુલ રૂા. 38,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ દંપતીની પૂછપરછ કરાતાં તેમને માલ વરસામેડી ઇન્ડિયા કોલોનીમાં રહેનાર ઘનશ્યામ નામનો શખ્સ પૂરો પાડતો હોવાનું બહાર આવ્યું હતું. આ દંપતી કેટલા સમયથી નશીલા પદાર્થ વેચતું હતું, ઘનશ્યામ કેટલા સમયથી માલ આપતો હતો તથા ઘનશ્યામને પકડી પાડવા સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.