આદિપુરમાં વ્યાજે પૈસા આપી વધુની માંગ કરનારા સામે પોલીસ ફરિયાદ

copy image

આદિપુરમાં રહેનાર આધેડને વ્યાજે પૈસા આપી વ્યાજના પૈસાની વારંવાર માગણી કરી તેમની પાસેથી કોરા ચેક, મકાનના સાટા કરાર કરાવી ધાકધમકી કરાતાં ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આદિપુરમાં રહી મકાન ભાડે આપી દલાલીનું કામ કરનાર દિનેશ બાબુલાલ ખારવા બીમાર પડતાં તેમણે હરપાલસિંહ ઝાલા પાસેથી પાંચ ટકા વ્યાજે રૂા. એક લાખ લીધા હતા, જેની અવેજીમાં કોરા ચેક આપી જુદા જુદા સમયે રોકડથી તથા ઓનલાઇન થઇને રૂા. 6,92,500 ચૂકવી આપ્યા હતા. ફરિયાદીને ધંધામાં સમસ્યા થતાં તેમણે દક્ષાબા ઉર્ફે દિવ્યાબા વીરેન્દ્રસિંહ વાઢેર પાસેથી ચાર ટકા વ્યાજે રૂા. 1 લાખ લીધા હતા. અને બીજા 5000 પણ ચાર ટકા વ્યાજે લીધા હતા, જેની સામે કોરા ચેક આપી કુલ રૂા. 2,84,200ની ભરપાઇ કરી હોવાનું પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવાયું હતું. બાદમાં ફરિયાદીની પરિસ્થિતિ ખરાબ થતાં તેમણે અંતરજાળના ખોડા માયાભાઇ આહીર પાસેથી ત્રણ ટકા વ્યાજે રૂા. ત્રણ લાખ લીધા હતા. જેની અવેજીમાં આરોપીએ મકાન અંગે સાટા કરાર કરી કોરા ચેક મેળવી લીધા હતા. જે પેટે ફરિયાદીએ રૂા. 3,40,000 ચૂકવી આપ્યા હતા. વ્યાજની રકમ ન ચૂકવી શકે તો આ શખ્સો કોરા ચેક બેંકમાં નાખી બાઉન્સ કરાવવાની તથા કેસ કરવાની તેમજ ચિરાગ ગઢવી નામના શખ્સે દિવ્યાબાનો ભાઇ છું, લીધેલા પૈસા પોતાના હોવાનું કહી ધાક ધમકી કરી હતી. વારંવાર વ્યાજના પૈસાની ઉઘરાણી કરનારા આ ચારેય શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.