ગાંધીધામમાં બોલેરો કારમાંથી 200 કિલો ગૌમાંસ સાથે એક ઝડપાયો

ગાંધીધામના કાસેઝથી કિડાણા બાજુ જતાં માર્ગ પરથી પોલીસે એક શખ્સને પકડી પાડી તેની પાસેથી 200 કિલો ગૌમાંસ કબ્જે કર્યું હતું. ગૌમાંસ ભરી આપનાર તરીકે માળિયાવાંઢના બે શખ્સોનું નામ બહાર આવ્યું હતું. ગાંધીધામની બી ડિવિઝન પોલીસ સવારના અરસામાં પૂર્વ મળેલી બાતમીના આધારે કાસેઝ નજીક વોચ ગોઠવીને ઊભી હતી, તેવામાં સામખિયાળી બાજુથી કિડાણા તરફ આવી રહેલી બંધ બોડીની બોલેરોને પોલીસે રોકાવી હતી. આ વાહનમાં પાછળ બે અને એક સીટ નીચેથી એમ ત્રણ કોથળા મળી આવ્યા હતા. આ ત્રણેય કોથળામાં કુલ 200 કિલો માંસ મળી આવ્યું હતું. દરમ્યાન પોલીસે શબીર નૂરમામદ માણેકને પકડી પાડયો હતો. આ કયા પશુનું માંસ છે તે માટે સરકારી પશુચિકિત્સકને પરીક્ષણ માટે બોલાવાયા હતા. પરંતુ તેમાં કાંઈ બહાર આવ્યું નહોતું. દરમ્યાન પોલીસે માંસના નમૂના લઈ એફ.એસ.એલ. માટે રાજકોટ મોકલાવ્યા હતા. ત્યાંથી આ માંસ ગૌમાંસ હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન પોલીસે ફરિયાદ નોંધી આ શખ્સની અટક કરી હતી, તેણે આ ગૌમાંસ માળિયાવાંઢ મોરબીના અમીન ઉર્ફે અમુડો કરીમ નોતિયાર તથા તેના ભાઈ પાસેથી મેળવ્યું હતું. આરોપીઓએ ગૌવંશને પકડી કતલ કરી અથવા કરાવી તે માંસના વેચાણ માટે જરૂરિયાત ઊભી થયેલ ન હોવા છતાં હત્યા કરી ધાર્મિક લાગણી દુભાવી હતી. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી માળિયાવાંઢના શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.