કોઠારાની ત્રણ દુકાનના તાળા તોડી રૂ.૨૧ હજાર ના મુદ્દામાલની ચોરી

copy image

copy image

અબડાસા તાલુકાના કોઠારા ગામના બસ સ્ટેશન પાસે આવેલી ત્રણ દુકાનમાં નિશાચરોએ ખાતર પાડી રોકડ અને મુદ્દામાલ સહિત કુલ રૂા. 21,300ની મતાનો હાથ માર્યાનું સામે આવ્યું છે જેમાં બે દુકાનના છતના પતરાં તોડી અને એક દુકાનનું તાળું તોડી તસ્કરીને અંજામ  આપનારા બે ચોરને મુદ્દામાલ સાથે કોઠારા પોલીસે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. અબડાસા તાલુકાના વરાડિયા ગામે રહેતા અને કોઠારાના બસ સ્ટેશન પાસે એમ.કે. મોબાઇલ નામની દુકાન ધરાવતા મોસીન આમદ કુંભારે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 31/8ના રાતના 10.30થી બીજા દિવસ સવાર દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમ તેની મોબાઇલની દુકાનના ઉપરના છાપરાં તોડી અંદર પ્રવેશી ત્રણ મોબાઇલ, બ્લ્યુટૂથ બે નંગ એમ કુલ રૂા. 18,800 તથા સાહેદ નિલેશ દીપકવન ગોસ્વામીની પાન સેન્ટરની પણ દુકાનના આ જ રીતે છાપરાં તોડી દુકાનના ગલ્લામાંથી રોકડા રૂા. 1000 ઉપરાંત સાહેદ હિરેન વસંતભાઇ કતિરાની શાકભાજીની દુકાનનું તાળું તોડી તેના ગલ્લામાંથી રોકડા રૂા. 1500 એમ ત્રણ દુકાનમાંથી કુલ રૂા. 21,300ની મતાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ કોઠારા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરતાં પીએસઆઈ જે. જે. રાણાને બાતમી મળી કે, આ ચોરીને વલસરાના અજય ઈભરામ કોલી અને જખૌના હરેશ ફકીર કોલીએ અંજામ આપ્યો છે. આથી બન્નેને રાઉન્ડઅપ કરી યુક્તિ-પ્રયુક્તિથી પૂછતાછ હાથ ધરાતાં બન્નેએ સાથે ચોરી કર્યાની કબૂલાત કરી હતી અને ચોરાઉ માલ જંગીવાસમાં સંતાડયાનું જણાવતાં મુદામાલ રિકવર કરી ચોરીનો ભેદ ઉકેલી લેવાયો હતો. આ કામગીરીમાં પીએસઆઈ શ્રી રાણા, હે.કો. ધર્મેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. દામજીભાઈ મારવાડા, અલ્પેશભાઈ ચૌધરી, અનિલભાઈ ખટાણા અને પ્રવીણભાઈ ચૌધરી જોડાયા હતા.