ભુજપુરની અપહ્યત સગીરાને 10મી સુધી હાજર કરવા હાઇકોર્ટનો આદેશ

copy image

copy image

copy image
copy image

મુંદરા તાલુકાના ભુજપુરની સગીરાના અપહરણ કેસમાં તા.10/9ના સગીરાને હાજર કરવા અને જો તે કરવામાં ન આવે, તો તે જ તારીખે પોલીસ અધીક્ષકને વ્યક્તિગત રીતે હાજર રહેવા હાઈકોર્ટે હુકમ કરી પોલીસને ફટકાર આપી હતી. કોર્ટે તપાસમાં કોઈ જ પ્રગતિ ન થતાં ચિંતા વ્યક્ત કરી છે અને નોંધ્યું છે કે, અગાઉના આદેશો છતાં આરોપી પકડાયો નથી તેમજ સગીર યુવતીની પણ તપાસ  કરવામાં આવી નથી. 16 વર્ષ અને 11 મહિનાની સગીર યુવતીના અપહરણનો આરોપ કાણા પ્રકાશ ભાટ પર મૂકવામાં આવ્યો છે. આ ઘટના 11-11-2023ના ભુજપુર ગામમાં બની હતી. ફરિયાદ નોંધાવવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખાસ કોઈ પ્રગતિ ન થતાં ગુજરાત હાઈકોર્ટમાં આ પિટીશન દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા 12-8-2024ના કરાયેલા અગાઉના હુકમમાં કચ્છના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને આરોપીની ધરપકડ કરવા અને સગીરાને કોર્ટમાં હાજર કરવા આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ આ હુકમનું પાલન કરવામાં આવ્યું નહોતું. કારણ કે, તપાસ નિરર્થક રહી, જેના કારણે હાઈકોર્ટની વિભાગીય બેન્ચના જજ ઉમેશ એ. ત્રિવેદી અને ચીકાતી માનવેદ્રનાથ રાયની બેન્ચે નવી સૂચનાઓ જારી કરી છે. અરજદારના વકીલ અમન એ. સમાએ કોર્ટે સમગ્ર મુદ્દો ભાવપૂર્વક રજૂ કર્યો હતો, જેમાં સ્થાનિક પોલીસની તપાસમાં બેદરકારીની ગંભીર નિષ્ફળતા પર ભાર મૂક્યો હતો. કોર્ટે નોંધ્યું કે, સ્થાનિક પોલીસ તેમની ફરજોમાં નિષ્ફળ રહી છે અને કેસ બંધ કરવા માટે `એ’ સમરીની માગણી પણ કરી છે, જે યોગ્ય નિરાકરણ વગર કેસ બંધ કરવાની ઇચ્છા દર્શાવે છે. હવે કોર્ટે કચ્છના એસ.પી.ને તા. 10-9-2024ના પહેલા સગીરાને કોર્ટમાં હાજર કરવા માટે આદેશ આપ્યો છે, જો તે કરવામાં નહીં આવે, તો એસ.પી.ને તે તારીખે કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.