રાજસ્થાનના શખ્સે રૂ.3 લાખનું હાઇડ્રોકાર્બન ઓઇલ બારોબાર વેચી માર્યું
copy image

મુંદરાથી હાઇડ્રોકાર્બન ઓઇલ ભરેલું ટેન્કર હૈદરાબાદ રવાના થયું હતું. રસ્તામાં આ ટેન્કરમાંથી 7320 કિ.ગ્રા. ઓઇલ કિં. રૂા. 3,29,400 સગેવગે થતાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે મુંદરા પોલીસ મથકે ગાંધીધામના ટ્રાન્સપોર્ટર દેવજીભાઇ સામતભાઇ જરુએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના ટ્રાન્સપોર્ટનું ટેન્કર ચાલક ધર્મારામ ધમુરામ પ્રજાપતિ (રહે. બાડમેર-રાજસ્થાન)એ તા. 22-8ના મુંદરાના શિવ વેરહાઉસ ખાતે ખાલી ટેન્કર તથા હાઇડ્રોકાર્બન ઓઇલ ભરેલાનું વજન કરી મુંદરાથી હૈદરાબાદ પહોંચાડવા રવાના કર્યો હતો. તા. 26-8ના ચાલક ધર્મારામને ફોન કરતાં તેણે જણાવ્યું હતું કે, માલ ડિલિવરી કરવાવાળી કંપનીથી થોડે દૂર છે અને આવતીકાલે પહોંચી જશે. બીજા દિવસે ફોન કરતાં ચાલકે ફોન બંધ કરી દીધો હતો. ટેન્કરનું જીપીએસ તપાસતાં ટેન્કર જે-તે કંપનીથી 50 કિ..મી. દૂર પડયું હતું. આથી માલ મગાવનારા માલિકને ફોન પર જાણ કરતાં ત્યાં ચાલક વિના જ ટેન્કર મળ્યું હતું અને માલિકે ટેન્કરનું વજન કરતાં ટેન્કરમાંથી આશરે 7320 કિ.ગ્રા. હાઇડ્રોકાર્બન ઓઇલ ઓછું હતું, જેની કિં. રૂા. 3,29,400 થાય છે.આમ ટેન્કરના ચાલક ધર્મારામે અમારો માલ (ઓઇલ) નિયત જગ્યાએ ન પહોંચાડી ટેન્કરમાંથી આશરે 7320 કિ.ગ્રા. હાઇડ્રોકાર્બન ઓઇલ કિં. રૂા. 3,29,400 કાઢી સગેવગે કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધાવી કરી તપાસ હાથ ધરી હતી.