રાસાજી ગઢડામાં ઝઘડામાં અબોલ જીવને ધારિયુ લાગતા મોત
રાપરના રાસાજી ગઢડામાં આધેડને માર મારી ધારિયું મારવા જતાં ધારિયું ગાયને લાગતાં અબોલ જીવનું મોત થયું હતું. રાસાજી ગઢડામાં રબારીવાંઢમાં રહેનાર ફરિયાદી કરશન મગા રબારી ગત તા. 5/9ના ગાયો ચરાવવા ગયા હતા, જ્યાં આરોપી મનજી મગજી કોળી ધારિયું લઈને આવી ગાયોને ભડકાવી હતી. આવું ન કરવા ફરિયાદીએ સમજાવતાં આ ઈસમે ફરિયાદીના દીકરાને ગાળો આપી હતી, તેવામાં આરોપીના પત્ની રંભીબેને ત્યાં આવી ફરિયાદી આધેડને લાકડી મારી હતી અને આરોપી મનજી ધારિયું મારવા જતાં બાજુમાં ઊભેલી ગાયના પાછળના પગમાં ધારિયું વાગ્યું હતું. આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. ફરિયાદીએ પશુ ચિકિત્સકને જાણ કરી હતી, પરંતુ ડુંગરમાં વરસાદનાં કારણે વાહન જઈ શકે તેમ નહોતું, બાદમાં ફરિયાદી પોતાની ગાયને જોવા જતાં આ અબોલ જીવનું મોત થયું હતું. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.