શેરબજારમાં રોકાણ કરી નફો કમાવવા જતાં મુંદરાના  શખ્સ સાથે  રૂા. 57.25 લાખની ઓનલાઇન ઠગાઇ

copy image

copy image

મુંદરા તાલુકાના સમાઘોઘામાં જિંદાલ કંપનીના અધિકારી સાથે શેર માર્કેટમાં રોકાણ કરી કમાવવાની લાલચ આપી તેઓ તથા તેમની પત્ની સાથે રૂા. 57,25,000ની ઓનલાઇન છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાવાઇ હતી. મૂળ હરિયાણાના હાલે મુંદરાના સમાઘોઘામાં રહેતા જિંદાલ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા વિજયકુમાર રાધેશ્યામ શર્માએ બોર્ડર રેન્જના સાયબર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તા. 21/2/24ના તેમને વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો, જેમાં તેને પોતાનું નામ મીરા કપૂર જણાવી પોતે એચ.આઇ.જી.પી. કંપનીમાં નોકરી કરતા હોવાનું જણાવી શેર માર્કેટમાં રોકાણ કરાવી તેમના ગ્રાહકોને સારો નફો અપાવતા હોવાની વાત કરી એક લિંક મોકલાવી વોટ્સએપ ગ્રુપમાં જોઇન થવાનું જણાવતાં ફરિયાદી ગ્રુપમાં જોઇન થઇ દરરોજ શેર માર્કેટને લગતા અપડેટ જોતા હતા. ગ્રુપમાં અન્ય વ્યક્તિઓને મળેલા નફાના પરિણામ જોતાં ફરિયાદીને રોકાણ કરવાની ઇચ્છા થઇ હતી. ફરિયાદીએ મીરા કપૂરને મેસેજ કરી રોકાણની ઇચ્છા દર્શાવી હતી. જેથી તેણે એક ફોર્મ મોકલાવ્યું હતું અને ફરિયાદી તથા તેમના પત્નીના નામના બે એકાઉન્ટ ખોલાવ્યા હતા. જે માટે વિવિધ મોકલેલી લિંક સાથે પ્રક્રિયા પૂરી કરી એકાઉન્ટ લોગીન થયા હતા. આ બાદ મીરા કપૂરના કહ્યા મુજબ ફરિયાદી અને તેમના પત્નીના નામના ખાતામાં ઓનલાઇન રકમો રોકાણ અર્થે મોકલાવી હતી. તા. 3/4/24થી 5/6/24 દરમ્યાન ફરિયાદીએ કરેલા રોકાણમાં નફો જોવા મળ્યો હતો. આ રકમ ઉપાડવાની વાત કરતાં સર્વિસ ચાર્જ તથા અલગ-અલગ ચાર્જના બહાના બતાવ્યા અને કોઇ પણ પ્રકારનું રિટર્ન કે ભરેલી મૂળ રકમ પરત આપી નહીં અને હજુ વધારે રૂપિયા ભરવાની વાત કરતાં ફરિયાદીને ઠગાઇ થયાનું જણાતાં તેમણે સાયબર ક્રાઇમમાં જાણ કરી હતી. જેના આધારે ફરિયાદી સાથે રૂા. 57,25,000 ઓનલાઇન છેતરપિંડી થયાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસે નોંધી તપાસ હાથ ધરી હતી.