ગાંધીધામમાં 16 વર્ષ જૂના લાંચ કેસમાં સહાયક ફોજદારને 3 વર્ષની  કેદની સજા

copy image

copy image

ગાંધીધામની મુખ્ય બજારમાં 16 વર્ષ અગાઉ ગાંધીધામ પોલીસના એ.એસ.આઈ. રૂા. 10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. આ કેસમાં પોલીસ કર્મીને તકસીરવાન ઠેરવી તેમને 3 વર્ષની સખત કેદનો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. ગાંધીધામમાં રહેનાર સુનીલ ઉર્ફે સોનુ ઓમપ્રકાશ બલવાણી તથા તેના મિત્ર રાજદીપસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉપર ગાંધીધામ પોલીસ મથકે (હાલનું એ ડિવિઝન) મારામારીનો કેસ નોંધાયો હતો. આ કેસની તપાસ તત્કાલીન એ.એઁસ.આઈ. ઉમર સિદીક મારાને આપવામાં આવી હતી. મારામારીના કેસમાં આરોપીઓને ન પકડવા તથા કેસ પતાવી દેવાની અવેજમાં પોલીસકર્મીએ રૂા. 15,000ની માંગણી કરી હતી. છેવટે રૂા. 10,000 સુધી આપવાની વાત નક્કી થઈ હતી. લાંચની રકમ આપવા વાયદા મુજબ તા. 17/5/2008 નક્કી કરવામાં આવી હતી. ગાંધીધામની મુખ્ય બજારમાં સ્વાગત રેસ્ટોરન્ટમાં એ.એસ.આઈ. ઉમર મારા હાજર હતા ત્યારે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું.  કર્મચારીએ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા એ.સી.બી.એ રંગેહાથ તેને ઝડપી લીધા હતા. રાજ્ય સેવક તરીકેના હોદાનો દુરુપયોગ કરી લાંચનો સ્વીકાર કરનાર આ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ધરપકડ બાદ આ કેસ અહીંની વિશેષ એ.સી.બી. કોર્ટમાં ચાલી ગયો હતો જ્યાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. કેસ દરમ્યાન દસ્તાવેજી પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા, સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયાધિશ એ.એમ. મેમણે આ સરકારી કર્મીને તકસીરવાન ઠેરવ્યો હતો અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 7 મુજબ 3 વર્ષની સખત કેદની સજા તથા રૂા. પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 1 માસની સજા તેમજ 13 (1) (ઘ), 13 (2)ની કલમો હેઠળ  3 વર્ષની સખત કેદની સજા તથા રૂા. 5000નો દંડ  અને દંડ ન ભરે તો વધુ 1 માસની કેદનો ધાક બેસાડતો ચૂકાદો આપવામાં આવ્યો હતો. આ કેસ દરમ્યાન સરકાર તરફે સરકારી વકીલ એસ.જી. રાણાએ સંપૂર્ણ ટ્રાયલ ચલાવી હતી. ચુકાદાના પગલે લાંચિયા કર્મીઓમાં ફફડાટ પ્રસર્યો હતો.