વરસામેડીમાં એક શખ્સને માર મારી રોકડની લૂંટ ચલાવાઇ

copy image

copy image

અંજાર તાલુકાના વરસામેડી સીમ નીલકંઠ હોમ્સ નજીક એરપોર્ટ પર ટેક્સીના ટેન્ડર મુદ્દે એક યુવાનને માર મારી ચાર ઇસમોએ લૂંટ ચલાવી હતી. વરસામેડીની સીમમાં આવેલા કંડલા એરપોર્ટ ઉપર રાજકોટની બર્ગ વય સર્વિસિસ પ્રા. લિમિટેડે કંપનીને ટેક્સીનું ટેન્ડર મળતાં આ કંપનીએ પોતાની સર્વિસ ચાલુ કરવા અહીં બે ટેક્સી મૂકી હતી. બે ચાલક દિવસભર અહીં રહ્યા બાદ ઢળતી બપોરના અરસામાં  એક ટેક્સી લઇને દિવ્યેશ તથા ચિરાગ ચા-નાસ્તો કરવા બહાર જઇ રહ્યા હતા, તેવામાં બે કાર આવીને આડી ઊભી રહી ગઇ હતી અને એક ઈસમ  કારમાં બેસી ગયો હતો. આરોપી સંદીપ આહીર, શંકર આહીર, લાલો આહીર તથા ચશ્મા પહેરેલા અજાણ્યા શખ્સે અહીં ટેક્સી કેમ ચલાવો છો તેમ કહી તારા શેઠને ફોન કરવાનું કહ્યું હતું. બાદમાં ચિરાગને બળજબરીપૂર્વક પોતાના વાહનમાં બેસાડી પરત એરપોર્ટમાં લઇ જઇ બીજી ટેક્સીથી તેમની સાથે આવેલા બતાવતાં ફરિયાદી શ્યામલ જયેશ ગોંધિયાને લઇ આવવાનું કહેતા ચિરાગ ફરિયાદીને  લેવા ગયો હતો. દરમ્યાન ફરિયાદીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી બનાવની જાણ કરી હતી અને બાદમાં નીલકંઠ હોમ્સ પાસે જતાં દિવ્યેશને પકડી રાખવામાં આવ્યો હતો, ત્યાં ફરિયાદી પહોંચતાં તેમને માર મારી એરપોર્ટમાં ટેક્સી અમારી જ ચાલશે, તેમ કહી તેમના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રૂા. 1000 કાઢી લીધા હતા. ડખાના પગલે લોકો એકઠા થતાં ત્યાં પોલીસ પણ આવી ગઇ હતી. આ ઇસમોની પોલીસ સાથે પણ ચકમક ઝરી હતી. બાદમાં ચારેય ઇસમો  પોતાનાં વાહન લઇને નાસી ગયા હતા. બનાવ અંગે અંજાર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.