ભારાવાંઢમાં આધેડનું ભેદી બીમારીથી મોત: ૨૪ કલાકમાં પિતા-પુત્ર સહિત ત્રણનાં મોત નીપજયાં
copy image

લખપત અને અબડાસા તાલુકામાં ભેદી બીમારીનાં લીધે મોતનો સિલસિલો જારી રહેવા પામ્યો છે અને ૯ દિવસ સુધીમાં કુલ ૧૭ લોકોનાં મોત થયા છે. અબડાસાના ભારાવાંઢનાં આધેડનું ભેદી બીમારીથી મોત થતાં ભારાવાંઢમાં છેલ્લા ૨૪ કલાકમાં પિતા-પુત્ર સહિત ૩ લોકોનાં મોત નીપજ્યા છે. જોકે, જત માલધારી સમાજમાં ફેલીયેલી ભેદી બીમારીમાં મોતનાં સાચા કારણો માટે રિપોર્ટની હજુ આરોગ્ય તંત્ર પ્રતીક્ષા કરી રહ્યું છે. લખપત અને અબડાસાના જત માલધારી સમાજમાં ફેલાયેલી ગંભીર પ્રકારની બીમારીને લઈ જિલ્લાનું સ્થાનિક તથા રાજ્યનું આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે અને અસરગ્રસ્ત ગામોમાં નિષ્ણાત તબીબોની ટીમ મોકલીને થઈ રહેલા મોતનાં કારણો શોધવા મથામણ આદરી હતી. રાજકોટ અને પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવેલા સેમ્પલ હજુ સુધી ન આવતા તંત્ર પણ સાચી બીમારીના નિષ્કર્ષ ઉપર આવ્યું નથી. દરમિયાન બુધવારનાં ભારાવાંઢનાં ૪૨ વર્ષીય અલાના જતનું તેમનાં થરે મોત થયું હોવાનું આરોગ્ય અધિકારી ડૉ.આર. આર.ફૂલમાલીએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, અલાના જતનાં પુત્રનું મંગળવારનાં ભુજની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યા બાદ તે જ હોસ્પિટલમાં દાખલ થયેલા પિતા અલાના જત તેમની સારવાર પડતી મૂકીને પરત થરે ચાલ્યા ગયા હતા, જેના ટ્રેસિંગ માટે આરોગ્ય તંત્રની ટીમ તપાસ કરી રહી હતી, ત્યાં ભારાવાંઢમાં ઘરે જ અલાના જતે દમ તોડયો હતો. આમ, છેલ્લા ૨૪ કલાકમાં ભારાવાંઢમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત થયા હતા. આ મોતની સાથે છેલ્લા ૯ દિવસમાં કુલ ૧૭ લોકોનાં મોત નોંધાઈ ચૂક્યા છે.