ચુડવામાંથી વધુ એક રાંધણગેસના બાટલાનું કૌભાંડ ઝડપાયું

copy image

copy image

ગાંધીધામ તાલુકાના ચુડવાની સીમમાં કરિયાણાની એક દુકાનમાં પોલીસે છાપો મારી રૂ.64,400ના ઘરેલુ તથા કોમર્શિયલ ગેસના બાટલા સાથે દુકાનદારની અટક  કરી હતી. ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ ચુડવા સીમમાં વિનાયક કોમર્શિયલ કોમ્પલેકસમાં બાલાજી કાંટા પાસે શ્રી જીણમાતા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં સાંજના અરસામા  પોલીસે દોરડો પડ્યો હતો. આ દુકાનમાંથી આરોપી મુળ શિકર રાજસ્થાનના શ્રવણકુમાર ત્રિલોકરામ ચૌધરીની અટક કરવામાં આવી હતી. આ દુકાનમાંથી ઈન્ડેન કંપનીના કોમર્શિયલ ભરેલા બાટલા નંગ-18, આ જ કંપનીના કોમર્શિયલ ખાલી બાટલા નંગ-8 તથા ઈન્ડેનના ઘરેલુ ગેસના ભરેલા બાટલા નંગ-3 અને ખાલી 8 બાટલા એમ કુલ્લ રૂ.64,400ના બાટલા તથા વજનકાંટો, ગેસના  બાટલા ખાલી કરવા, ભરવા માટેનું રેગ્યુલેટર, પાઈપ વગેરે પોલીસે હસ્તગત કર્યા હતા. આ ઈસમ  જુદા-જુદા લોકો પાસેથી ભરેલા બાટલા મેળવી પોતાના ગ્રાહકોને વેંચી મારતો હતો. છેલ્લા કેટલાક સમયથી વરસામેડી, ગાંધીધામમાં આવા બાટલા ઝડપાયા છે પરંતુ આવા બાટલા ખરેખર કોણ વેંચે છે તેમાં કોણ-કોણ સંડોવાયેલા છે તે સહિતની વિગતો બહાર આવતી નથી. પોલીસ કડક અને નિતિમતાથી આ અંગે તપાસ હાથ ધરે તો આવા બનાવોમાં મોટું કૌભાંડ બહાર આવે તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.