જશાપરવાંઢમાં એક લાખના દારૂ સાથે ઈસમની ધરપકડ

ભચાઉ તાલુકાના જશાપરવાંઢમાં એક મકાનમાં બકરી બાંધવાના પતરાંના છાપરાંમાંથી પોલીસે રૂા. 1,02,840ના દારૂ સાથે એક ઈસમને પકડી પાડયો હતો. દારૂ આપી જનાર ઈસમનું નામ બહાર આવ્યું હતું. સુરજબારી ટોલનાકા નજીક આવેલા જશાપરવાંઢમાં બપોરના અરસામાં પોલીસે કાર્યવાહી કરી હતી. આ વાંઢમાં રહેનાર જુમા ઓસમાણ ત્રાયા નામના ઈસમ પોતાના મકાનમાં દારૂ સંતાડી રાખેલ હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી. મકાનની તપાસ કરાતા આંગણામાં બકરી બાંધવાના છાપરામાંથી દારૂની પેટીઓ મળી આવી હતી. અહીંથી 750 મી.લી.ની ગ્રીનલેબલની 48 બોટલ, 8 પી.એમ.ની 24 બોટલ, વાઈટ લેશ વોડકા 180 મી.લી.ના 240 ક્વાર્ટરીયા, કીંગફીશર બીયરના 456 ટીન એમ કુલ રૂા. 1,02,840ના દારૂ સાથે આ ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. તેની પોલીસે પૂછપરછ કરતા તેને આ દારૂ સુરજબારીનો દાઉદ ઉર્ફે ડાડુ કાદર મુલ્લા નામનો શખ્સ આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. રાજસ્થાન લખેલ આ દારૂ ક્યાંથી આવ્યો હતો તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.